મોડાસા, 8 ઓક્ટોબર (હિ.સ.)અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે બુધવારે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મહાલક્ષ્મી ટાઉનહોલ મોડાસા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં ૪૫૭ રોજગાત પત્રો, ૨૬૧ પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા. સાથેજ આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તાલીમ મળી શકે તે માટે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, હોમલેન્ડ એન્જિનિયરિંગ, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, સુપરસિલ આર્કિટેક્ચરલ પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ, ઓમેગા ઇલેક્ટ્રીક સાથે Mou પણ કરવામાં આવ્યા.
આજના કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સરકારના વિકાસ માટે યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત એમ ચાર મજબૂત પાયા છે. જે પૈકી સૌથી શક્તિશાળી હોય તો એ યુવા છે. યુવાનોમાં સ્કીલ ડેવલોપમેન્ટ અને નોકરી દાતા બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. આજે આ સ્કીલ થકી રોજગાર મેળવનાર તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું.
આજના કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી ભીખુસિંહ પરમારએ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના લોકો ખુબજ મહેનતુ છે આ મહેનતને પરિણામે આપણા જિલ્લામાં બેરોજગારીનો દર ખૂબ જ ઓછો જોવા મળે છે. આજે રોજગાર મેળવતા તમામ યુવાઓને અભિનંદન પાઠવું છું. આજે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અંતર્ગત તમામ યુવાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૨૪ વર્ષના સફળ કાર્યકાળ દરમિયાન અનેક અશક્ય લગતી અનેક યોજનાઓ સફળ બની છે.
આજના કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, ITI આચાર્ય ઓ, રોજગાર કચેરીના કર્મચારીઓ, નોકરીદાતા ઉદ્યોગકારો સહિતના મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ