પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્ય સરકાર ૭મી ઑક્ટોબરથી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લામાં રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધુ તકો ઊભી કરવા માટે વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારો દ્વારા સ્થાનિક યુવાનોને તાલીમ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ યુવાધનના કૌશલ્ય વિકાસ માટે સ્કિલ ઇન્ડિયા મિશન અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાન શરૂ કર્યા છે. રાજ્ય સરકારે પણ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે ગૌરવપૂર્ણ રોજગારીની તકો ઊભી કરી છે અને ભવિષ્યલક્ષી યોજનાઓ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું છે.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લા સ્તરના વિવિધ ઉદ્યોગોમાં પસંદગી પામેલા યુવાનોને રોજગાર પત્રો તથા આઇટીઆઇના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ, પ્રાંત અધિકારી સહિત વિવિધ અધિકારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ