મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): અમદાવાદ ઝોન કક્ષાના કાર્યક્રમમાં 13 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા બાળકો વચ્ચે વિવિધ પ્રતિસ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની બાળકીએ યોગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં બાળકો દ્વારા શારીરિક તંદુરસ્તી, લવચીકતા અને એકાગ્રતાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેચરાજીની આ પ્રતિભાશાળી બાળકીએ વિવિધ યોગાસનો ખૂબ જ સુંદર રીતે રજૂ કરતા નિષ્ણાતોની પ્રશંસા મેળવી હતી. તેમની સંતુલિત હાવભાવ, શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને યોગ પ્રત્યેની લગનને કારણે તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
બેચરાજી તાલુકાની આ બાળકીની સફળતા પાછળ શિક્ષકો તથા સ્થાનિક આંગણવાડી અને ICDS વિભાગના સહયોગની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જિલ્લામાંથી અનેક સ્થળોએ આ સિદ્ધિને લઈને આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. આ જીત સાથે મહેસાણા જિલ્લાએ યોગ અને પોષણ ક્ષેત્રે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. જિલ્લા અધિકારીઓ અને શિક્ષણ વિભાગે આ બાળકીનું સન્માન કરીને તેને આવનારા સ્ટેટ લેવલના કાર્યક્રમ માટે શુભકામનાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR