સુરત , 9 ઓક્ટોબર (હિ.સ.) સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઓમ સાંઈ જલારામનગરમાં રહેતા બનેવી સંદીપ ગોડે ગુસ્સામાં આવીને પોતાની સાળી મમતા અશોકભાઈ કશ્યપ અને સાળા નિશ્ચય અશોકભાઈ કશ્યપની ચપ્પુ વડે નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ફરાર થવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે રેલવે સ્ટેશન પરથી ઝડપ્યો છે.
સંદીપ ગોડ પોતાની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હતો, જોકે તે પહેલેથી જ ત્રણ સંતાનોનો પિતા છે. મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ઈનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી સંદીપે ચપ્પુ વડે હુમલો કર્યો અને બંને ભાઈ-બહેનને મોતને ઘાટ ઉતાર્યા હતા.
હુમલામાં મમતા અને નિશ્ચયને ગંભીર ઈજા થવાથી તેઓને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ હુમલામાં તેમની માતા, એટલે કે સંદીપની સાસુ પણ ઘાયલ થઈ છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક નિશ્ચય ઉત્તરપ્રદેશની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં નોકરી કરતો હતો. 4 ઓક્ટોબરે તેનો લગ્ન કાર્યક્રમ હતો અને તે પોતાની બહેન અને માતા સાથે સુરતમાં શોપિંગ કરવા આવ્યો હતો.
આરોપી સંદીપ ગોડ અગાઉ ઓયો હોટલમાં કામ કરતો હતો, પરંતુ હાલમાં બેરોજગાર હતો. લગ્ન પ્રસ્તાવને લઈને થયેલી બોલાચાલીમાં તેણે પત્ની સામે જ તેના ભાઈ-બહેનની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.
બેવડી હત્યાને અંજામ આપ્યા બાદ સંદીપ ગોડ ફરાર થવા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે કે હત્યા પૂર્વ આયોજનબદ્ધ હતી કે ગુસ્સાનો અંજામ.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે