- વેદાંત ઈન્ટરનેશનલ, તુલીપ ઈન્ટરનેશનલ, જેમ્સ જેનીસીસી અને શિવ આશિષ સ્કૂલ સામે કાર્યવાહી
અમદાવાદ, 9 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં શાળાઓ ફીમાં વધારો કરે છે અને મનમાની કરે છે જેની સામે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદની 4 શાળાને નિયમોના ભંગ બદલ FRCની કાર્યવાહી,5-5 લાખનો દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીનો સૌથી વધુ દંડ ફટકાર્યો છે.
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી એ 4 શાળાઓને નિયમોનું પાલન ના કરવા બદલ 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ચારેય શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટીને મળેલ મંજૂરી વગર બેફામ ફી વસૂલતી હોવાની ફરિયાદના પગલે કમિટીએ તપાસના અંતે અમદાવાદની ચારેય શાળાઓને નોટિસ આપી સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોનું પાલન ન થતું હોવાનું નોંધી ફી રેગ્યુલેટરી કમિટીએ વેદાંત ઈન્ટરનેશન સ્કૂલ, જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને 5-5 લાખનો દંડ ફટકાર્યો છે.
વેદાંત ઈન્ટરનેશન સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી પાસે વિદ્યાર્થીઓની ફીમાં વધારા માટે પ્રપોઝલ મૂક્યું હતું. પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલે દરખાસ્તમાં જે ફી વાધરવાની માંગ કરી હતી તેમાં ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવી હતી. છતાં પણ સ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલવામાં આવતી હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ફી રેગ્યુલેટરી કમિટી એ તપાસ કરતા સ્કૂલે મંજૂર થયેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલી હોવાનું સામે આવતા વેદાંત ઈન્ટરનેશન સ્કૂલને ફી રેગ્યુલેટરી કમિટી એ 5 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલવામાં આવેલી ફી સરભર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને FRCએ 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. નિયમ પ્રમાણે જો પ્રાથમિક અને માધ્યમિક સાથે એક જ કેમ્પસમાં જો પ્રિ પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી ફી રેગ્યુલેટરી કમિટી પાસે મંજૂર કરાવવાની હોય છે. પરંતુ જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિ પ્રાયમરી સ્કૂલ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલ સાથે એક જ કેમ્પસમાં ચાલે છે. છતાં ત્રણેય સ્કૂલે ફી રેગ્યુલેટરી કમિટીમાં ફી મંજૂર કરાવ્યા વિના જ પ્રિ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. જેની ફરિયાદ ફી રેગ્યુલેટરી કમિટીના ધ્યાને આવતા ત્રણેય શાળાને 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ