ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ખાતે હઝરત નગારચી પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા 7મી જશ્ને સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીદી આદિવાસી સમાજ સહિત 35 યુગલોએ સમૂહ નિકાહ પઢ્યા હતા, મુસ્લિમ ધર્મગુરુઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોલવી દ્વારા આ નિકાહ પઢાવવામાં આવ્યા હતા.
જાંબુર નગારચી પીર દરગાહ સમસ્ત મુસ્લિમ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. આર્થિક રીતે નબળા ગણાતા સીદી આદિવાસી સમાજ સહિતના પરિવારોને લગ્નના મોટા ખર્ચમાંથી રાહત આપવા અને સમાજમાં એકતા તથા ભાઈચારો વધારવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું. આ પ્રસંગે સૈયદ અહમદ મુનિરબાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. નગારચી પીર દરગાહ ટ્રસ્ટ કમિટીના પ્રમુખ સોહિલ મજગુલ, ઉપપ્રમુખ અકબર દરજાડા સહિત ટ્રસ્ટ કમિટીના સભ્યોએ સમૂહ સાદીને સફળ બનાવવા માટે આગવું આયોજન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ