મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રના અગ્રણી, શ્રદ્ધેય રમણલાલ ઈશ્વરલાલ પટેલ (રમણેશ્વર દાદા) ૯૫ વર્ષ પૂર્ણ કરીને ૯૬મા વર્ષમાં પ્રવેશ્યા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે “રમણેશ્વર ગુણ-વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમના જીવનસાધના અને સમાજસેવાના કાર્યને વંદન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં શિક્ષણજગતના પ્રતિષ્ઠિત શિક્ષકો, સમાજના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાદાના સહયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાદાના દીર્ઘ જીવનમાં શિક્ષણ, નૈતિકતા અને માનવસેવાના મૂલ્યોને તેમણે જીવંત કર્યા છે. તેમની પ્રેરણાદાયક સફર અનેક પેઢીઓ માટે દીપસ્તંભરૂપ બની રહી છે.
આ અવસર પર ઉપસ્થિત મહાનુભાવોએ દાદાના શિક્ષણક્ષેત્રે કરેલા અવિસ્મરણીય યોગદાનની પ્રશંસા કરી અને તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી. કાર્યક્રમમાં ભજન, કાવ્યપાઠ અને સ્મરણાંજલિના શબ્દોથી ભાવસભર વાતાવરણ સર્જાયું. “રમણેશ્વર ગુણ-વંદના” દ્વારા સમાજે એક સાચા શિક્ષક અને યોગદાતા વ્યક્તિપ્રતિની અદભૂત કૃતજ્ઞતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR