જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી વિકાસનો એક નવો યુગ શરૂ થયો. તેમના દૂરંદેશી નેતૃત્વ અને સુશાસનના સંકલ્પથી ગુજરાતે પ્રગતિની નવી ઊંચાઈઓ હાંસલ કરી, અને આજે આ ગૌરવશાળી વિકાસયાત્રા ૨૫માં વર્ષમાં પ્રવેશી રહી છે.
વડાપ્રધાનના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને સાકાર કરવા માટે “વિકસિત ગુજરાત” એ મુખ્ય આધારસ્તંભ છે, અને આ સપનાની સિદ્ધિ માટે રાજ્યના તમામ નાગરિકોની સાથે પશુધનનું સ્વસ્થ હોવું એ પાયાની જરૂરિયાત છે.'સ્વસ્થ ગુજરાત'નું નિર્માણ એ માત્ર માનવ આરોગ્યની વિચારધારા નથી, પરંતુ આર્થિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે માનવ અને પશુ આરોગ્ય બંને ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. જેના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપે, જામનગર જિલ્લામાં ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સે છેલ્લા આઠ વર્ષમાં ૩૮ હજારથી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરીને પશુધનની સુરક્ષા અને સંવર્ધનમાં અદમ્ય યોગદાન આપ્યું છે, જે કરુણા અને કલ્યાણ પર આધારિત વિકાસની નીતિનું પ્રતિબિંબ છે.
જામનગર જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨' મૂંગા પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૧૭થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાએ તાજેતરમાં સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ આઠ વર્ષના ગાળામાં જામનગર જિલ્લામાં કુલ 38,188 ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી નવજીવન બક્ષ્યું છે.
જામનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલી આ સેવાએ છેલ્લા આઠ વર્ષમાં કુલ 38,188 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરી છે, જેમાં 25,555 શ્વાન, 9,105 ગાય, 7,425 બિલાડી, કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા વિવિધ જીવોનો સમાવેશ થાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની દરેક વાન તમામ દવાઓ અને અધ્યતન સાધનસામગ્રીથી સજ્જ છે, જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. કરુણા પ્રોજેક્ટના આઠ વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયના નાયબ પશુપાલન નિયામક ડો.અનિલ વિરાણી, એડીઆઈઓ ડો. ચિરાગ ભંડેરી તેમજ વેટરનરી પોલીસ ક્લિનિક સ્ટાફના સભ્યો, કરુણાના ડો. જીગરભાઈ કાણે અને પાયલોટ ભગવાનભાઈ, તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસમાંથી 1962 અને MVDUના કોર્ડીનેટર ચિંતનભાઈ પંચાલની હાજરીમાં સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન દ્વારા નગરના લોકોને શહેરના કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લેવા અને મૂંગા જીવોને મદદરૂપ થવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt