મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.): શહેરમાં મનપા દ્વારા ‘શોપિંગ ફેસ્ટિવલ' એવા સ્વદેશી મેળાનું લોકાર્પણ કરાયું, સુશોભનની ચીજવસ્તુઓ, દીવડાથી લઈ કપડાં સુધીની ખરીદી માટે 93 સ્ટોલ ખુલ્લા મુકાયા. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારને વધુ નિખારવા માટે શહેરમાં પ્રથમ વાર મહેસાણા ‘શોપિંગ ફેસ્ટિવલ'નું આયોજન કરાયુ છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી મેળાનું રૂપ આપી લોકલ ફોર વોકલની થીમ આધારિત સ્થાનિક ઉત્પાદનો અને વેપારને પ્રોત્સાહીત કરવાની સાથે સાથે ગ્રાહકોને યોગ્ય ભાવની યોગ્ય ચીજવસ્તુઓ મળી રહે તેવો અનૌખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડ પર આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં 12 દિવસનો મહેસાણા શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરાયો છે. જેનું આઠમી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જયારે આ ફેસ્ટિવલ 20મી ઓક્ટોબર સુધી યોજાનાર છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકા દ્વારા ખાનગી જગ્યાને ભાડેથી રાખી 93 જેટલા સ્ટોલ ઉભા કરી સખી મંડળ હોય કે સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓ તમામનું રજિસ્ટેશન કરી તેમને નિઃશુલ્ક પણે સ્ટોલની ફાળવણી કરવા આવી છે. આ સ્ટોલની અંદર 20 જેટલા ફૂડ કોર્ટ, પાંચ ઓર્ગેનિક વેજીટેબલ ફૂડ, ૨૦થી વધુ હેન્ડક્રાફ્ટની ચીજવસ્તુઓ અને સુશોભનની સામગ્રી તેમજ દિવડાથી લઈ કપડાં સુધીની દરેક ચીજવસ્તુઓની ખરીદી એક જ સ્થળે શક્ય બને તેવું આયોજન કરાયું છે.
મહેસાણા શોપિંગ ફેસ્ટિવલે તહેવારની ખરીદી જ નહીં પરંતુ મુલાકાત માટે પણ આકર્ષણ જમાવ્યું
દિવાળીના પર્વ પર મહેસાણાના બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે આ ભીડની અંદર ક્યાંક અવ્યવસ્થા પણ સર્જાતી હોય છે પરંતુ મહેસાણા મહાનગરપાલિકાએ કરેલા શોપિંગ ફેસ્ટિવલના આયોજનમાં એક જ સ્થળે અનેક ચીજવસ્તુઓની ખરીદી ગ્રાહકો માટે શક્ય બની રહી છે તો અહીં આવતા જ ના માત્ર ખરીદી પરંતુ મુલાકાટીઓ પણ આકર્ષિત થાય તે પ્રકારનું લાઇટિંગ ડેકોરેશન અને મ્યુઝિકલ માહોલ સજાવવામાં આવ્યો છે તો આ ફેસ્ટિવલ દરમિયાન અહીં કલ્ચરલ પ્રોગ્રામ યોજનાર છે.
ફેસ્ટિવલમાં પ્રત્યેક જગ્યાને કેમેરાની વ્યવસ્થા કરાઈ
મનપા તંત્ર દ્વારા પ્રાપ્ત વિગતોનુસાર ફેસ્ટિવલમાં પ્રત્યેક જગ્યાને કવર કરી શકે તે પ્રકારે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગને જાણ કરી પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે. જેથી સામાન્ય રીતે બજારમાં ખરીદી કરતા ગ્રાહકોનું ધ્યાન માત્ર ખરીદીમાં રહેતા તેમની સાથે બનતી ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિને અહીં રોકી શકાય તે પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR