- ડોક્યુમેન્ટ જમા કરાવવા શાળાને DEOની આગામી 13 તારીખ સુધી અંતિમ તક
અમદાવાદ,9 ઓકટોબર (હિ.સ.) મણિનગર પૂર્વમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી જેના કારણે સેવન્થ ડે સ્કૂલની મંજૂરી DEO એ રદ કરી હતી. સેવન્થ ડે સ્કૂલમાં અતીર સુધી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું પરંતુ શિક્ષણ વિભાગની તપાસ કમિટીની તપાસ પછી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. હત્યાના 50 દિવસ બાદ ધોરણ 6થી 8ના પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
સેવન્થ ડે સ્કૂલમાં આ અગાઉ 3 ઓક્ટોબરથી ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી હોવાથી ધોરણ 6થી 8ના પણ પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ આગામી અઠવાડિયાથી ધોરણ 1થી 5ના પણ વર્ગો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આગામી સમયમાં પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ શિક્ષણ વિભાગની તપાસ કમિટી હત્યાની ઘટનાને લઈને હજુ પણ શાળામાં તપાસ કરી રહી છે. અનેક વખત સૂચના આપવા છતાં પણ સેવન્થ ડે સ્કૂલે તપાસ કમિટીને હજુ સુધી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નથી. શાળાની માન્યતા, સરકાર તરફથી મળેલી NOC તેમજ સરકાર તરફથી માંગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ શિક્ષણ વિભાગને આપવામાં હજુ પણ સ્કૂલ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી 13 તારીખ સુધી તમામ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે સેવન્થ ડે સ્કૂલને અંતિમ તક આપી છે.
જો આગામી 13 તારીખ સુધી સ્કૂલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવામાં નહીં આવે તો, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સરકારમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર અને શિક્ષણ વિભાગની સૂચના બાદ સ્કૂલ સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ