પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણના અર્બુદા બંગલોઝ સોસાયટીમાં રહેતા નિવૃત્ત કૃષિ અધિકારી અરવિંદભાઈ રામાભાઈ પટેલ (ઉ.વ. 61) સાથે મોટી સાયબર ઠગાઈ સામે આવી છે. 1 માર્ચ, 2025ના રોજ અજાણ્યા સાયબર ઠગોએ તેમની પત્નીના બેંક ખાતામાંથી રૂ. 1,17,06,000ની રકમ ઓનલાઈન રીતે ટ્રાન્સફર કરાવી લીધી હતી. ઠગોએ પહેલાં વિશ્વાસ જીતવા માટે રૂપિયા 2,05,000 પરત આપ્યા હતા, પણ બાદમાં બાકીની રકમ રૂ. 1,15,01,000 હડપ કરી લીધી હતી. આ બનાવ અંગે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ મામલાની તપાસ દરમિયાન પાટણ પેરોલ-ફર્લો સ્કવોડે એક નાસતા ફરતા આરોપી જયદીપ મનુભાઈ બેલ્દારને ઝડપી લીધો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ બાતમી મળતાં અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. આરોપી ગુજરાત હાઉસિંગ બોર્ડ, આઈ.ઈ. સોમનાથ ટેમ્પલ પાસેનો રહેવાસી છે અને તેની હાજરી બાપુનગરમાં પ્રસ્થાપિત થતા તેને ઝડપવામાં આવ્યો હતો.
આ આરોપીને પકડી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે. પાટણ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર ફ્રોડની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ