પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. જે. ભોંય દ્વારા ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિયેશન સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ તહેવારો દરમ્યાન દુકાનોમાં વધતી ભીડના સમયે ચોરી, છેતરપિંડી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી અને વેપારીઓમાં જાગૃતિ લાવવી હતો.
પીઆઇ ભોંયએ વેપારીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દુકાનમાં આવે તો તેને બહાર જવાને પહેલાં દાગીના અને રકમની ચકાસણી કરી લેવી. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું. પીઆઇએ વિશ્વાસ આપ્યો હતો કે પોલીસ તમામ વેપારીઓની સાથે છે અને તાત્કાલિક મદદ માટે તૈયાર છે.
આ બેઠક દરમિયાન એસોસિયેશનના પ્રમુખ દિલીપમોદીએ પોલીસના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપવામાં આવેલી તમામ સૂચનાઓ ઝવેરી બજારના સભ્યો સુધી પહોંચાડવામાં આવશે અને તહેવારો દરમિયાન તમામ વેપારીઓને વિશેષ સતર્ક રહેવા માટે જણાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ