જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સફળ ૨૪ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે, ગુજરાતભરમાં વિકાસની ગાથાને જન-જન સુધી પહોંચાડવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને દૂરંદેશી વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૭ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન આ વિકાસ યાત્રાને લોકો સુધી પહોંચાડવા વિવિધ જનકલ્યાણના આયોજનો હાથ ધરાયા છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના નેતૃત્વમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ગ્રામ્ય પંથકમાં 'વિકાસ રથ' દ્વારા વિવિધ લાભો પહોંચાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે ઉપક્રમે વિકાસ રથનું આગમન જોડિયા તાલુકાના બાલંભા ગામે થતાં જ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર વિકાસ રથનું સ્વાગત કર્યું હતું. ગામમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ અવસરે ઉપસ્થિત લાભાર્થીઓને માતૃ વંદના યોજના, આયુષ્માન કાર્ડ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી ફિલ્મ નિદર્શન દ્વારા સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી પણ મેળવી હતી. કાર્યક્રમના અંતે, સૌએ 'વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન જુદા જુદા ૦૩ ગામોમાં આ વિકાસ રથનું આગમન થઈ રહ્યું છે, જે ગ્રામ વિકાસના કાર્યોને વેગ આપીને જનસુખાકારીમાં વધારો કરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt