અમદાવાદ, 9 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે ત્યારે અંડવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક કથળી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે.
રાણીપ વિસ્તારમાં જન્મદિવસે જ યુવકની બર્થડે સેલિબ્રેશન દરમિયાન હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. તો બીજી તરફ અસારવા સિવિલના ગેટ પાસે સામાન્ય બાબતે અન્ય એક યુવકની ઢીમ ઢાળી દેવાયું હતું. પોલીસે બંને બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુચોક ખાતે નરેશ ઠાકોર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે આઠ ઓક્ટોબરના રોજ નરેશ ઠાકોરનો જન્મદિવસ હતો, જેના કારણે તે તેના અન્ય મિત્રો સાથે રાણીપ જનકલ્યાણ કેન્દ્ર નજીક બર્થડે પાર્ટીની 11 વાગે જ્યારે ઉજવણી ચાલતી હતી ત્યારે પ્રેમ ઠાકોર ઋતિક ઠાકોર, ઋતિક સાગરા અને સુમિત રાજક નામના ચારેય યુવકો આવ્યા હતા અને નરેશ સાથે બોલાચાલી કરી હતી. નરેશને પ્રેમે કહ્યું હતું કે તું બહુ દાદા થઈ ગયો છે એમ કહી મારામારી કરી તેની છાતીમાં છરો મારી દીધો હતો, જેથી નરેશ રોડ ઉપર પડી ગયો હતો અને લોહીલુહાણ થઈ ગયો તો તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રાણીપ પોલીસે આ મામલે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
બીજી હત્યા અસારવા વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા રહેતા રાહુલ ભીલનો ભાઈ સુરેશ ભીલ ગઈકાલે આઠ ઓક્ટોબરના રોજ રાત્રે અસારવા સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 2 પાસે આવેલા પાર્કિંગમાં હતો ત્યારે શાહીબાગ પ્રીતમનગર શાહની ચાલીમાં રહેતા ભાવેશ ભીલ અને મેહુલ ભીલ તેમજ તેનો ભાઈ કરણ ભીલે ભેગા મળીને રાહુલને ખંજર જેવા હથિયાર વડે આડેધડ ઘા મારી દીધા હતા. સુરેશ દ્વારા બચાવો બચાવોની બૂમો પાડવામાં આવી હતી. બૂમાબૂમ થતાં સુરેશનો ભાઈ રાહુલ ત્યાં દોડી ગયો હતો. રાહુલ ત્યાં પહોંચતાં ત્રણે ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તેને સારવાર અર્થે ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. શરીરના અલગ અલગ ભાગે પાંચેક જેટલા ખંજરના ઘા માર્યા હતા અને બાકીના ભાગે ઘસરતા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુરેશનું સારવાર દરમિયાન મોડીરાત્રે મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ