મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સે રાજ્યને વૈશ્વિક રોકાણ, ભાગીદારી અને નવી તકનો અગ્રણી મંચ બનાવી દીધું છે. વર્લ્ડ બેંકના વાઇસ પ્રેસિડન્ટ શ્રી જોહાનેસ ઝૂટે જણાવ્યું કે ગુજરાતે ઉદ્યોગસાહસિકતા અને મજબૂત ઉદ્યોગ ધોરણો દ્વારા વિશ્વનું આર્થિક ચિત્ર બદલ્યું છે. જાપાનના રાજદૂત કેઇચી ઓનોએ ગુજરાત-જાપાનના ગાઢ સંબંધો અને ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી તથા માનવીય સહકાર જેવા ક્ષેત્રોમાં સહયોગની વાત કરી. વિયેતનામના રાજદૂત શ્રી ન્ગુયેન થાન હાઇએ વાઇબ્રન્ટ ગુજરાતને ભારતની આર્થિક ઉર્જા અને વૈશ્વિક જોડાણનું પ્રતીક ગણાવ્યું.ઉદ્યોગ જગતમાંથી પણ ઉત્સાહભર્યા પ્રતિસાદ મળ્યા. ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન જીનલ મહેતાએ રૂ.19 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી, જ્યારે અદાણી ગ્રૂપના સીઇઓ કરણ અદાણીએ જણાવ્યું કે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ગણપત યુનિવર્સિટીના પ્રમુખ ગણપત પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિપૂર્ણ લીડરશીપથી ગુજરાત આજે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત આજે વિકાસ, વિશ્વાસ અને વૈશ્વિક સહકારનું જીવંત પ્રતીક બની ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR