ગાંધીનગર, 9 ઓક્ટોબર (હિ.સ.): ‘ગીર’ ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા તા. ૦૨ થી તા.૦૮ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન ૧૦ હજારથી વધુ વન્યજીવ અને પર્યાવરણપ્રેમી-નાગરિકો ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તથા અરણ્ય ઉદ્યાનમાં ઉજવણીમાં સહભાગી થયા હતા. આ અભિયાન અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમ ‘ગીર’ ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. ૦૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ વન્યજીવ સપ્તાહની ઉજવણીના અંતિમ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ’ગીર’ ફાઉન્ડેશનના નિયામક શ્રી બી.પી. પતીએ વન્યજીવ સંરક્ષણના ઈતિહાસ, વન્યજીવ સંરક્ષણ સાથે માનવોના સહઅસ્તિત્વ અંગે વિગતવાર સમજણ આપી હતી. આ ઉપરાંત વન્યપ્રાણીઓ દ્વારા અવારનવાર રસ્તો ઓળંગવા અથવા માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુની ઘટનાઓ અંગેની પ્રાથમિક માહિતી એકત્રિત કરવાના સર્વે અંગેના ગુગલ ફોર્મનું નિયામકશ્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ ગુગલ ફોર્મ વન્યપ્રાણી અકસ્માત, ખાસ કરીને સરિસૃપ, પક્ષીઓ અથવા નાના સસ્તન પ્રાણીઓના અકસ્માતો ઘણીવાર નોંધાયા વગર રહી જાય છે. જેના કારણે અકસ્માત પ્રભાવિત વિસ્તાર, અસરગ્રસ્ત જાતિઓ અને બનાવના અંગેની માહિતી મળતી નથી. આ ફોર્મનો મુખ્યહેતુ આ પ્રકારની માહિતી એકત્રિત કરીને વન્યપ્રાણી અકસ્માતના કારણો સમજવા અને તેના અસરકારક નિવારણ પગલાં તૈયાર કરવાનો છે. જે શોધકાર્ય, નીતિગત નિર્ણયો અને વન્યજીવ સંરક્ષણ બાબતે મદદરૂપ બનશે.
આ ગુગલ ફોર્મની લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSeKX0pY_i22TH5UsUQ49xLwRgfakFyoeHGOdiMLuPkyarsYkA/viewform ‘ગીર’ ફાઉન્ડેશનની વેબસાઈટ https://geerfoundation.gujarat.gov.in and https://gswa-geer.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ રહેશે એમ નિયામકએ વધુમાં ઉમેર્યું હતું.
વન્યજીવ સપ્તાહ દરમિયાન ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ૨૨થી વધુ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો, વિદ્યાર્થીઓ, વેટરનરી સાઈન્સના વિદ્યાર્થીઓ, હોમગાર્ડના જવાનો, પરિક્ષેત્ર વન અધિકારીની તાલીમ લઈ રહેલા વન અધિકારીઓ, બાળકો સહિત વડિલો મળીને કુલ ૨૫૦૦થી વધુ નાગરિકો વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સપ્તાહ અંતર્ગત પ્રતિદિન વન્યજીવ આધારિત અલગ અલગ વિષયવસ્તુ જેમ કે, બિડાલ કુળના પ્રાણીઓ, શ્વાન કુળના પ્રાણીઓ, સરિસૃપો, પક્ષીઓ, ઉભયજીવીઓ અને કિટકો એમ વિવિધ વિષયો પર સોશિયલ મિડિયા અને ડિજિટલ મિડિયા દ્વારા લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વન્યજીવ સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક વેસ્ટ અપસાઈક્લિંગ, ઈકો આર્ટ, માટીમાંથી વન્યજીવોના રમકડા બનાવવા, નિઃશૂલ્ક નિદાન કેમ્પ, વાઈલ્ડ લાઈફ ઓરિગામી, નેચર વોક, વન્યજીવને લગતા સેમિનાર, ઓફલાઈન ક્વિઝ તેમજ અવેરનેસ કાર્યક્રમ વગેરે જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા લાવવાનો ‘ગીર ફાઉન્ડેશન’ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ