જૂનાગઢ, 8 ઓક્ટોબર (હિ.સ.): આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણક્ષેત્ર પણ ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. શિક્ષણમાં નવી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) નો ઉપયોગ શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે નવી દિશા ખોલી રહ્યો છે. આ પરિવર્તનને સમજી શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જૂનાગઢ અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક સેમિનાર “શિક્ષણમાં AI ટૂલ્સનો ઉપયોગ” યોજાયો હતો.
આ સેમિનારનું આયોજન આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કૂલ, જૂનાગઢ ખાતે થયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણાધિકારીઅને વર્કશોપના માર્ગદર્શક કુ. લતાબેન ઉપાધ્યાયના પ્રેરક વક્તવ્યથી થયું હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, આજના સમયમાં જ્યારે શાળામાં મોટે ભાગે સ્માર્ટ બોર્ડ છે ત્યારે શિક્ષકો માટે AI ટૂલ્સ જાણવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો સમયની માંગ છે. શિક્ષણમાં ટેકનોલોજીનો સમન્વય કરવાથી શિક્ષણ વધુ રસપ્રદ, ઈન્ટરેક્ટિવ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની શકે છે. આ સેમિનારમાં જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને આયોજક વેજા પીઠીયા અને મંત્રી મોરીએ પણ શિક્ષકોને સંબોધિત કરતા જણાવ્યું કે શિક્ષક એ શિક્ષણવ્યવસ્થાનું હૃદય છે, અને AI ટૂલ્સનો યોગ્ય ઉપયોગ શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સ્માર્ટ બોર્ડના યોગ્ય ઉપયોગ AI થી વર્ગખંડને જીવંત રાખી શકાય.
સેમિનાર દરમિયાન એકસપર્ટ ટીચર્સ રાજેશ જેઠવા, પૂર્વેશ પાવાગઢી અને દેવેન ઠાકરે દ્વારા વિવિધ AI આધારિત ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ – જેમ કે ChatGPT, Google Gemini, Microsoft Copilot, Google AI Studio વગેરેની વિગતવાર સમજ આપી હતી. તેમણે આ ટૂલ્સ શિક્ષણયોજનામાં, નોટ્સ તૈયાર કરવામાં, પ્રેઝેન્ટેશન ડિઝાઇનમાં, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન તથા શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં સહાયક બની શકે છે એ અંગે જણાવ્યુ હતુ.
પટેલ કેળવણી મંડળ ના પ્રમુખસી.એ. મેનપરા અને ઉપપ્રમુખરતિ મારડીયા અને ટ્રસ્ટી મંડળ દ્વારા પણ જણાવ્યું કે આ વર્કશોપથી શિક્ષણને અત્યાધુનિક અને જીવંત બનાવી શકાય છે. ડેમો સેશન દ્વારા શિક્ષકોને AI ટૂલ્સના પ્રાયોગિક ઉપયોગનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન અનેક શિક્ષકોએ પોતાની શાળામાં AI ટૂલ્સ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શિક્ષણાધિકારી કચેરીના ઈ.આઈ. અને સહયોગી મનીષાબેન હિંગરાજીયા અને આચાર્ય સંઘના પ્રમુખ નંદાણિયા એ કાર્યને ખૂબજ બિરદાવ્યું હતું. સેમિનારના અંતે આભારવિધી દરમિયાન આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલન, સ્ટાફ અને સહયોગી શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. કાર્યક્રમના સંચાલન માટે સંઘના સભ્યો અને શિક્ષણવિભાગના અધિકારીઓનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોને નવી ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળી અને શિક્ષણક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના સર્જનાત્મક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું તેવું સૌએ એકમતથી વ્યક્ત કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ