
અમરેલી, 10 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના પૂર્વ નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના અગ્રણી ચહેરા પરેશ ધાનાણી ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક ઓડિયો-વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર સાથે ધગધગતો વાર્તાલાપ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં ધાનાણી સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે ખેડૂતોની દેવા માફી માટે જો ગોપાલ ઇટાલિયા જેવી આગેવાની આપતા કાર્યકરો આગળ આવે તો કોંગ્રેસ તેમની સાથે ચાલશે.
ધાનાણીએ આપના કાર્યકર સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું — “જો ગોપાલભાઈ ખેડૂતોના દેવા માફીની માંગ લઈને નીકળે, તો કોંગ્રેસ ગોપાલભાઈની સાળ પકડીને નીકળશે.” તેમનો આ જવાબ હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ ઓડિયો વાયરલ થયા બાદ પરેશ ધાનાણીએ પોતે જ ટ્વીટ કરીને જણાવ્યું — “મળે સુર મારો ને તમારો, ખેડૂતોનો અવાજ ઊઠે ન્યારો. હાલ આપ, બાપ કે કોંગ્રેસ છોડો, આફતમાં સૌ ખેડૂત બનીને એક થાવ.”
તેમણે ટ્વીટમાં વધુમાં ઉમેર્યું કે, “ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ ન કરો, કુલડીમાં ગોળ ભાંગવાનું બંધ કરાવો. ખેડૂતોની સંપૂર્ણ દેવા માફીને ટેકો આપો તો અમારું તમને સમર્થન.” સાથે જ તેમણે સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે — “સાયોનાના સીસીટીવી જાહેર કરાવો, 4000 કરોડના મગફળીકાંડનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરાવો. જો અમે ગુનેગાર હોઈએ, તો અમનેય જેલમાં પુરાવો.”
ધાનાણીના આ નિવેદન પછી રાજ્યના રાજકીય વર્તુળોમાં ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે, જ્યારે વિરોધી પક્ષોએ આ નિવેદનને રાજકીય નાટક ગણાવ્યું છે. પરંતુ ખેડૂત વર્ગમાં ધાનાણીનો આ સંદેશ પ્રભાવક બન્યો છે, ખાસ કરીને કમોસમી માવઠાથી પીડિત ખેડૂતોમાં “ખેતી બચાવો સત્યાગ્રહ” માટેની હૈયાવરાળ વધુ ઉગ્ર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai