
- ગુજરાત એટીએસ નો મોટો દાવો, દિલ્હી માટે પણ ઘડ્યું હતું કાવતરું
અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના 3 આતંકવાદીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે.આ ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ લખનઉં આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર બજારની રેકી કરી હતી.ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે, તેવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ ગઈકાલે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને અમદાવાદ નજીકથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓ ગુજરાત અને દેશભરમાં મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. ઝડયેલા આરોપીઓની ઓળખ આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેલ અને અહેમદ મોહિઉદ્દીન સૈયદ તરીકે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ લખનઉંમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય અને દિલ્હીમાં ભીડભાડવાળી આઝાદપુર બજારની રેકી કરી રહ્યા હતા. આતંકવાદી હુમલા માટે બંને સ્થળોને સંભવિત ટાર્ગેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે, શેખ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો ભેગા કર્યા હતા અને ગાંધીનગરના કબ્રસ્તાનમાં છુપાવ્યા હતા. આ દરમિયાન, હૈદરાબાદનો રહેવાસી મોહીઉદ્દીન આ હથિયારો સાથે પાછો ફરવાનો હતો, પરંતુ ગુજરાત એટીએસએ આ પહેલા જ કાર્યવાહી કરી દીધી હતી અને શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી હતી. આ આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 કારતૂસ અને 40 લિટર એરંડા તેલ મળી આવ્યું હતું.
મોહીઉદ્દીનના મોબાઇલ ફોનની તપાસમાં તેના બે સહયોગીઓના સંપર્કો અને સમગ્ર મોડ્યુલની પ્રવૃત્તિઓનો ખુલાસો થયો છે. ત્યારબાદ, એટીએસએ અન્ય બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસના DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર,ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે, જેમણે ચીનથી એમબીબીએસ પૂર્ણ કર્યું છે. તે આઈએસઆઈએસ -ખોરાસન પ્રાંતના સભ્ય અબુ ખાદીમના સંપર્કમાં હતો, જેણે તેને ભંડોળ એકત્ર કરવા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભરતી અભિયાન ચલાવવાનું કામ સોંપ્યું હતું.
પોલીસને એવી પણ માહિતી મળી છે કે, મોહીઉદ્દીન સાયનાઇડમાંથી ઝેરી પદાર્થ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટીએસ હાલમાં તપાસ કરી રહી છે કે, હથિયારો કેવી રીતે પૂરા પાડવામાં આવ્યા હતા અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્લીપર સેલ ક્યાં સક્રિય છે.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ