
અમરેલી, 10 નવેમ્બર (હિ.સ.) : સોશિયલ મીડિયા પર એક પોસ્ટને લઈને લાઠીના ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ધારાસભ્ય તળાવિયાએ પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રીપોસ્ટ કરતા રાજકીય ગરમાવો સર્જાયો છે. કથીરીયા પોતાના વીડિયોમાં પાટીદાર સમાજની એકતા અને રાજકીય મહત્વ પર ચર્ચા કરતા જોવા મળે છે, સાથે જ અમરેલી જિલ્લાના સલડી, કુલઝર સહિતના વિસ્તારોમાં થયેલ તાજેતરના વિવાદોનો ઉલ્લેખ પણ કરે છે.
આ વીડિયોમાં કથીરીયા આગામી ચૂંટણીમાં 27 ટકા ઓબીસી નિયમ લાગુ પડવાની બાબતે પણ ચર્ચા કરે છે અને કેટલાક રાજકીય પક્ષો પર આ નિયમને બહાના તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂકે છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં વિવાદ ઊભો થયો છે.
ધારાસભ્ય જનક તળાવિયાએ આ વીડિયો રીપોસ્ટ કર્યા બાદ અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. કેટલાક લોકો માને છે કે ધારાસભ્યે માત્ર સમાજની એકતાનો સંદેશ આપતા વીડિયોને શેર કર્યો છે, જ્યારે વિરોધીઓનો આક્ષેપ છે કે આ પગલું કથીરીયાને આડકતરો સમર્થન આપવા સમાન છે.
સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે પણ મતભેદ જોવા મળી રહ્યા છે — એક તરફ લોકો તળાવિયાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ભાજપ કાર્યકરો આ પોસ્ટથી અસંતુષ્ટ જણાઈ રહ્યા છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ધારાસભ્ય જનક તળાવિયાનો આ પગલું પાર્ટીની લાઇનથી વિરુદ્ધ છે કે માત્ર સામાજિક સંદેશના રૂપમાં જોવું જોઈએ. હાલ આ મુદ્દે ધારાસભ્ય તળાવિયા કે અલ્પેશ કથીરીયાએ સત્તાવાર પ્રતિક્રિયા આપેલી નથી, પરંતુ રાજકીય તાપમાન વધ્યું એ નિશ્ચિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai