
અમરેલી, 10 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક વધુ યુવતી લાપતા થવાનો બનાવ સામે આવ્યો છે. ખાંભા તાલુકાના રબારીકા ગામની 18 વર્ષીય કિરણ પ્રવિણભાઈ પરમાર નામની યુવતી રાજુલા મુકામે ઇન્ટરવ્યુ આપવા ગઈ બાદથી રહસ્યમય રીતે લાપતા થઈ ગઈ છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ચકચાર ફેલાઈ ગઈ છે.
યુવતીના પિતા પ્રવિણભાઈ દેવશીભાઈ પરમારે રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલી અરજીમાં જણાવ્યું છે કે તેમની પુત્રી કિરણ રાજુલા ખાતે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. રાજુલા આહિર સમાજના ગેટ પાસે તેને ઉતારવામાં આવી હતી. ત્યારબાદ કિરણનો મોબાઇલ બંધ આવતો હોવાથી પરિવારજનોએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો. શોધખોળ હાથ ધર્યા છતાં યુવતીનો કોઈ પત્તો મળી શક્યો નથી.
પરિવારે શરૂઆતમાં સંબંધીઓ અને મિત્રવર્તુળમાં શોધ કરી હતી, પરંતુ ક્યાંયથી કોઈ માહિતી ન મળતા અંતે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ મુહાભાઈ વાળા યુવતીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા યુવતીના મોબાઇલ લોકેશન, સીસીટીવી ફૂટેજ તથા જાહેર સ્થળો પર પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજુલા તેમજ આસપાસના વિસ્તારોમાં ચકાસણી તેજ કરવામાં આવી છે.
સ્થાનિકોમાં આ બનાવે ચિંતાનો માહોલ સર્જ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાથી જિલ્લામાં યુવતીઓના લાપતા થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ કિરણને તાત્કાલિક શોધી આપવાની અને સુરક્ષિત પરત લાવવા પોલીસ તંત્રને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai