
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સરકારે પાટણ જિલ્લામાં નવી કલેક્ટર કચેરીના બાંધકામ માટે વર્ષ 2023-24 ની નવી બાબતની જોગવાઈ હેઠળ રૂ. 2269.66 લાખની વહીવટી મંજૂરી આપી હતી. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા 2 એપ્રિલ, 2025ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને 18 મહિનાની સમયમર્યાદામાં કામ પૂરું કરવા માટે વર્ક ઓર્ડર અપાયો છે. બાંધકામ 29 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ થવાનું છે.
નવુ કલેક્ટર કચેરી G+2 પ્રકારનું ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર હશે. તેનું કુલ બાંધકામ વિસ્તાર 6231 ચોરસ મીટર રહેશે, જેમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, બીજો માળ અને સ્ટેર કેબિનનો સમાવેશ થાય છે. હાલમાં એ અને બી બ્લોકમાં પ્લીન્થ સ્લેબ પૂરું થઈ ચુક્યું છે, સી બ્લોકમાં ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે અને ડી બ્લોકમાં ટાઈ બીમની કામગીરી ચાલી રહી છે.
આ કચેરીમાં આધુનિક સુવિધાઓ જેવી કે વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, ફાયર સેફ્ટી સિસ્ટમ, આર.ઓ. સિસ્ટમ, ફર્નિચર અને રેકોર્ડ રૂમ ઉપલબ્ધ થશે. સુવિધાસભર ઇમારતથી શાસન કાર્ય વધુ અસરકારક બનશે અને નાગરિકોને ઝડપથી અને ગુણવત્તાપૂર્વક સેવાઓ મળી શકે તેવી શક્યતા રહેશે.
બાંધકામથી આર્થિક વિકાસને વેગ મળશે કારણ કે રોજગારીના નવા તકો ઊભા થશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. સાથે સાથે આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો થશે, જે સમગ્ર વિસ્તારના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ