
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓને સ્મરણ કરવા માટે ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને સમગ્ર રૂપરેખા વિશે માહિતગાર કર્યા હતાં.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એ જ કડીમાં હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ દરેક વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે.
પદયાત્રાની રૂપરેખા આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે. જેમાં તા.૧૬ નવેમ્બરના રોજ ૯૦-સોમનાથ વિધાનસભામાં જિલ્લાકક્ષાની પદયાત્રા સવની-ઈશ્વરિયા-ઈન્દ્રોઈ-નાવદ્રા-સોનારિયા-બાદલપરા-કાજલી થઈ સોમનાથ સાંજે ૬.૦૦ કલાકે સભા સાથે પૂર્ણ થશે.
આ જ રીતે, તા.૧૭/૧૧/૨૦૨૫ના રોજ ૯૧-તાલાલા વિધાનસભા વિસ્તારમાં આહિર સમાજ ગુંદરણ થી સભા સાથે પદયાત્રા શરૂ કરી અને માધુપુર, સુરવા થઈ આંકોલવાડી ગામે સમાપન થશે. જ્યારે તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૯૨-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં નાલંદા વિદ્યાલયથી છારાઝાંપા, પાણી દરવાજા, માર્કેટિંગ યાર્ડ, બરડા પાટિયા, ચૌહાણની ખાણ પાટિયા, મૂળ દ્વારકા પી.એમ. શાળા થી થઈ અને મૂળ દ્વારકા દ્વારકાધિશ મંદિર પાસે પદયાત્રાનું સમાપન થશે.
આ જ કડીમાં ૧૯ નવેમ્બરના યોજ ૯૩-ઉના વિધાનસભા વિસ્તારમાં યોજાનારી પદયાત્રાનો સમગ્ર રૂટ ખીલાવડ, ફાટસર, દ્રોણેશ્વર, દ્રોણ અને ગીરગઢડા રહેશે. આ તમામ પદયાત્રાનું અંતર આશરે ૧૦ કિલોમીટરનું રહેશે. જેમાં ૧૫૦ પદયાત્રીઓનો સમાવેશ થશે. આ પદયાત્રામાં તમામ સમાજના લોકો જોડાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ સ્પર્ધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાઓ તેમજ કોલેજોમાં ક્વીઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે. તમામ રૂટ પર સ્વચ્છતા અભિયાન પણ યોજવામાં આવશે. આ રીતે ૧૫૦ પદયાત્રીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવશે. જેની સાથે સમગ્ર તંત્ર પણ જોડાશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ