

અંબાજી, 13 નવેમ્બર (હિ.સ)ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના અધિકારીઓની ટીમે પી.એમ.કેન્દ્રીય વિદ્યાલય, BSF દાંતીવાડાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, માળખાકીય સુવિધાઓ અને નવીન શિક્ષણ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવાનો હતો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનામુકતા અગ્રવાલ, નિર્દેશક, શિક્ષણ મંત્રાલય;ટી. પ્રીતમ સિંહ, ડેપ્યુટી કમિશનર, તિન્સુકિયા સંભાવ, કે.વિ.એસ.; તેમજ સુ.શ્રી કૃતિકા કપૂર, સલાહકાર સહિતના અધિકારી ઓ દાંતીવાડા કેન્દ્રીય વિધાલય ખાતે શાળાની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી પ્રશંસા વ્યક્ત કરી હતી. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સમયપત્રક અનુસાર નિયમિત રીતે ચાલી રહી છે અને શિક્ષકો દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ તથા ડિજિટલ લર્નિંગ સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. શાળામાં સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ જેવી કે ખેલકૂદ, આર્ટ, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની બાબતોનું નિરીક્ષણ કરાયું હતું.
આ સાથે અધિકારીઓએ પરિસર અને સ્વચ્છતા, સ્વચ્છ ભારત અભિયાનના માપદંડો, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે શિક્ષક તાલીમ અને નવીનતા ક્ષેત્રે શાળાના શિક્ષકો નિપુણ ભારત અભિયાન અંતર્ગત તાલીમ મેળવી ચૂક્યા છે અને શિક્ષણમાં નવી પદ્ધતિઓનો સમાવેશ કર્યો છે, જે શિક્ષણની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે. સાથે જ સમાવેશી શિક્ષણને પ્રાથમિકતા આપતાં, ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય અને માર્ગદર્શનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અધિકારીઓએ શાળાના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સતત પ્રગતિ તરફ પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ