
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) વેરાવળ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આજે તા.13 થી 20 નવેમ્બર સુધી પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહનું આયોજન લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમએ કરેલ છે. આ સપ્તાહમાં લોહાણા સમાજના 11 પરીવારોએ પોથી નોંધાવી લાભ લીધો છે. સપ્તાહના આઠ દિવસ દરમ્યાન શિવ વિવાહ, નૃસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ઉજવાશે. આ સપ્તાહનો લાભ લેવા સર્વે જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.
આજે આ સપ્તાહના પ્રારંભે કૃષ્ણનગર હવેલી ખાતેથી પોથીયાત્રા નિકળી હતી. જેમાં યજમાન પરીવારોએ માથા ઉપર પોથીઓ લઈ અગ્રણીઓની હાજરીમાં પોથીયાત્રાનો પ્રારંભ થયેલ જે જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરીને સપ્તાહ સ્થળ લોહાણા વંડી ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં ધાર્મિક ગીત સંગીત ઉપર યજમાન પરીવારો અને રઘુવંશી આગેવાનો અને બહેનો રાસે રમી ઝુમી ઉઠયા હતા. પોથીયાત્રામાં પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, અશોકભાઈ ગદા, જયકરભાઈ ચોટાઈ, ઉપેન્દ્ર તન્ના, અંકુર અઢીયા, મુકેશ ચોલેરા, રાજ ગંગદેવ,સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ