ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH સર્ટિફિકેટ પ્રાપ્ત થયું
ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને બુધવારે રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અને
ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ


ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને બુધવારે રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધ્યક્ષ એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ આરોગ્યક્ષેત્રમાં સેવા આપતી એવી સંસ્થાઓને મળે છે. જેણે આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં ઉચ્ચ માપદંડો સાથે કાર્ય કર્યું હોય.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી એ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. વેરાવળમાં મારા પૂરોગામી કલેક્ટર્સ દ્વારા થોડા વર્ષો પહેલા જ શરૂ કરવામાં આવેલી આ સંસ્થાએ તેના થોડા જ સમયકાળમાં આ સીમાસ્તંભ પ્રાપ્ત કર્યું છે. તે જિલ્લા અને જિલ્લાના નાગરિકો માટે આનંદનો અવસર છે.આ ગૌરવની ક્ષણે કલેક્ટરએ જણાવ્યું હતું કે, આપણા માટે તે ગર્વની બાબત એટલા માટે છે, કારણકે આસપાસના વિસ્તારમાં ફક્ત રાજકોટ અને ભાવનગરની સંસ્થા જ આ પ્રકારનું પ્રમાણપત્ર ધરાવે છે.

જિલ્લા કલેક્ટરએ સર્ટિફિકેટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, જેમ આઈ.એસ.ઓ હોય છે એવી જ રીતે આરોગ્યસેવાઓ પૂરી પાડતા પ્રદાતાઓ માટે એન.એ.બી.એચ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય માન્યતા છે. જે લેબોરેટરીઝ તેમજ હોસ્પિટલ્સમાં જઈને ઝીણવટભરી ચકાસણી અને તપાસ કરે છે. આ તપાસ દરમિયાન દર્દીઓને અપાતી સુવિધાઓ, બ્લડ લેવામાં રાખવામાં આવતી ચોક્સાઈ, બ્લડનું સ્ટોરેજ, આરોગ્યસેવાઓની વિવિધ પ્રક્રિયાઓ આ તમામ પ્રક્રિયાઓમાં કેટલી ચોક્સાઈ રાખવામાં આવે છે. આ તમામ બાબતોને ચકાસીને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

સર્ટિફિકેટના મહત્વ અંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ મળવાથી હવે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થાય છે. હવે નાગરિકોને અન્ય કોઈ દેશમાં જવું હોય તો આ બ્લડબેંકના રિપોર્ટ મદદરૂપ થશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો, પારદર્શક વ્યવસ્થાઓ, આરોગ્યને લગતી બાબતો એ માનવજીવન સાથે સંલગ્ન બાબતો હોય છે એટલે તેમાં ઝીરો ટોલરન્સની નીતિ અને ક્વોલિફાઈડ મેડિકલ સ્ટાફ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

આ રીતે સર્ટિફિકેટ પ્રાપ્ત થવાથી હવે ગીર સોમનાથ જિલ્લાની એડવાન્સ લેબોરેટરી ધરાવતી સંસ્થા બની છે. તમામ દર્દીઓ માટે આધારરૂપ સેવા તરીકે મહત્વની સાબિત થશે અને વધુને વધુ નાગરિકો આ શાખાની આરોગ્ય સેવાઓનો લાભ લે એમ કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું.

આ સિદ્ધિ રેડક્રોસના દરેક દાતાઓ, રેડક્રોસ સોસાયટીના સભ્યો, કર્મચારીઓ તથા વિવિધ સમાજના સહયોગથી શક્ય બની છે. આગામી સમયમાં ઈન્ડિયન રેડક્રોસની આ શાખા વધુ ગુણવત્તાપૂર્ણ સેવા આપે અને સફળતાના શિખરો સર કરે એવી કલેક્ટરએ શુભકામનાઓ પાઠવી હતી.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ગિરીશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના દ્રષ્ટિકોણ અને રાજ્યના તમામ બ્લડ સેન્ટરો NABH એક્રેડિટેડ થાય તે વિઝન તરફ ગીર સોમનાથ જિલ્લાના એક મહત્વપૂર્ણ સોપાન છે.

જ્યારે આ સેન્ટરની સ્થાપના થઈ એ દરમિયાન જ NABHની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર માળખું તૈયાર કરવાનું વિઝન હતું. જે બદલ એન્જિનિયર અને સભ્ય રાજેશ પટેલની દૂરદર્શિતાની નોંધ લઈએ છીએ.

વધુમાં તેમણે સ્થાપક ચેરમેન અને ચેરમેન એમિરેટસ કિરીટભાઈ ઉનડકટ, ચેરમેન અતુલભાઈ કાનાબાર તેમજ સમગ્ર રેડ ક્રોસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે, સંસ્થાના ડૉ.ખેવના સહિત રેડક્રોસ બ્લડ સેન્ટરની સમગ્ર ટીમ અને પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સામાન્ય અને એન.એ.બી.એચ (હોસ્પિટલો અને આરોગ્યસેવાઓ પૂરી પાડતા પ્રદાતાઓ માટે રાષ્ટ્રીય માન્યતા બોર્ડ) સ્ટાન્ડર્ડ ધરાવતી બ્લડબેન્કમાં શું ફરક છે?

એન.એ.બી.એચ સ્ટાન્ડર્ડ ધરાવતી બ્લડબેન્ક તમામ પ્રક્રિયામાં ગુણવત્તા અને સલામતીના ઊંચા ધોરણો સુનિશ્ચિત કરે છે. જે રાષ્ટ્રીય નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય એ સુનિશ્ચિત કરે છે.

આ ગુણવત્તાના ધોરણો સતત સુધારણા હેઠળ હોય છે અને સ્ટાફમાં પણ કુશળતા વિકસાવવામાં મદદરૂપ થાય છે. દર્દીઓના રોગનું દસ્તાવેજીકરણ અને ટ્રેસેબિલિટી સુધારે છે. જે દર્દીની સલામતીમાં મદદરૂપ છે. આમ, એન.એ.બી.એચ સ્ટાન્ડર્ડ ધરાવતી બ્લડબેન્ક દાતા અને દર્દી બંનેનો પરસ્પર આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande