
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે અંજુ નરશી બાળસાહિત્ય પારિતોષિક 2025 માટે જામનગરની શાળા નં. 51 ની પ્રતિભાશાળી શિક્ષિકા પૂર્ણિમાબેન પંડ્યાની પસંદગી કરવામાં આવી છે.
આ પ્રતિષ્ઠિત સન્માન પરબધામ (તા. ભેસાણ, જી. જુનાગઢ) ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં અર્પણ થવાનું છે. પૂર્ણિમાબેન પંડ્યાનું બાળસાહિત્ય ક્ષેત્રે કરેલું યોગદાન શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ ગણાય છે. તેમણે બાળકોના હૃદયમાં જ્ઞાનનો અજવાળો પ્રગટાવવાની દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે, જે સમાજ માટે એક ઉદાત્ત ઉદાહરણ છે.
શાળા નંબર 51 પરિવાર વતી આચાર્ય કૌશિકભાઇ ચુડાસમા તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય કક્ષાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયાએ પૂર્ણિમાબેન પંડ્યાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.બાળસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના ભાવિ સર્જનકાર્ય માટે સમગ્ર શિક્ષણજગત તરફથી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt