
જૂનાગઢ 13 નવેમ્બર (હિ.સ.) પી.એમ. સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા, ભેસાણ ખાતે જીન પ્લોટ ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલાઉત્સવ ઉત્સાહપૂર્વક યોજાયું હતુ. આ કાર્યક્રમમાં નવ સરકારી પ્રાથમિક શાળાઓના ૫૨ બાળ વૈજ્ઞાનિકોએ ૨૬ નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. જ્યારે કલાઉત્સવમાં ૩૬ વિદ્યાર્થીઓએ ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા ભેસાણ તાલુકાના મામલતદાર આઈ.આર. પારગી, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીશભાઈ મકવાણા, કેળવણી નિરીક્ષક બાબુલાલ ગોંડલીયા, તાલુકાના બી.આર.સી દિલીપભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રા, સી.આર.સી. ડો. કિશોર શેલડીયા, એસએમસી અધ્યક્ષ ડો. હિતેશભાઈ વઘાસિયા અને કન્વીનર તથા આચાર્ય ડિમ્પલબેન ક્યાડા ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર શ્રી અને અન્ય આગેવાનોએ બાળકોની સર્જનાત્મકતા અને પ્રતિભાની પ્રશંસા કરી અને પ્રોત્સાહિત કર્યા.
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.દાતાઓના સહયોગથી પ્રથમ ક્રમાંક મેળવનાર પાંચ કૃતિઓના ૧૦ વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦ ની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન પી.એમ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા અને સી.આર.સી. ભેસાણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સી.આર.સી કો-ઓર્ડીનેટર અને આ કાર્યક્રમના આયોજક એવા ડો. કિશોરભાઈ શેલડીયાએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો બાળકોની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને કલાત્મક કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે. તેમણે શિક્ષકો, વાલીઓ અને દાતાઓનો આભાર માન્યો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.એમ. સ.વ. પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળાના શિક્ષકો અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ