
જુનાગઢ 13 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે કમોસમી વરસાદ વરસી પડયો હતો. જેમાં સાર્વત્રિક ધોરણે મોટા પાયે ખેડૂતો, પશુપાલકો, માછીમારોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં પણ અનેક ખેડૂતો આવા કમોસમી વરસાદથી ખુબ જ વ્યથિત થઇ ગયા હતા. ત્યારે ત્વરિત રીતે રાજ્ય સરકારએ રાજ્યના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેને સર્વત્ર હાર્દિક આવકારો મળી રહ્યો છે.
જેને પગલે જૂનાગઢના સર્વે ખેડૂત મિત્રો વતી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ખેડૂતોના પ્રશ્નોને સ્વયં વાચા આપી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે વહેલી તકે તમામ ખેડૂતોને તેમના બેંક ખાતામાં વહેલામાં વહેલી તકે ટ્રાન્સફર કરાવવામાં આવશે.
તેઓએ આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારદ્વારા ખેડૂતોની જણસી ખરીદવા માટે રૂ.૧૫,૦૦૦ કરોડનું અન્ય રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મગફળી, સોયાબીન અને અન્ય પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. આ બંને પેકેજથી ખેડૂતોને ઘણી રાહત મળી છે. આ તકે હું જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતો વતી રાજ્ય સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ