
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : ભાજપ આગેવાન રાજુભાઈ મિલે સૌરાષ્ટ્રના લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે યુનિયન સિવિલ એવિએશન મંત્રી કે. આર. નાયડુ, રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત પત્ર પાઠવી રાજકોટથી દુબઈ, શારજાહા અને રાજસ્થાનના કિશનગઢ માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગણી કરી છે.
રાજુભાઈ મિલે પોતાના પત્રમાં જણાવ્યું કે રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હાલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે, પરંતુ દુબઈ અને શારજાહા જેવા મહત્વના વ્યાપારી શહેરો માટે સીધી ઉડાનની અછત સૌરાષ્ટ્રના વેપારીઓ અને એનઆરઆઈ સમુદાય માટે મુશ્કેલીરૂપ બની છે. સૌરાષ્ટ્રના હજારો લોકો, ખાસ કરીને અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લાના વેપારીઓ તથા કામદારો યુએઈમાં સ્થાયી છે. હાલમાં તેઓને મુંબઈ કે અમદાવાદ જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે.
રાજુભાઈ મિલે જણાવ્યું કે જો રાજકોટથી દુબઈ અને શારજાહા માટે દરરોજ ફ્લાઈટ શરૂ થાય તો સૌરાષ્ટ્રના લોકો માટે સીધી મુસાફરી શક્ય બનશે, જે વેપાર, રોજગાર અને પ્રવાસન ક્ષેત્રે મોટો ફાયદો પહોંચાડશે. સાથે જ તેમણે રાજસ્થાનના કિશનગઢ માટે અઠવાડિયામાં એક ફ્લાઈટ શરૂ કરવાની પણ રજૂઆત કરી છે, કારણ કે સૌરાષ્ટ્રના અનેક ધર્મપ્રેમી તથા વ્યાપારીઓ કિશનગઢ અને આજુબાજુના વિસ્તારો સાથે જોડાયેલા છે.
આ રજૂઆત સૌરાષ્ટ્રના વેપારીઓ અને એનઆરઆઈ સમુદાયમાં આશાવાદ જગાવતી ગણાઈ રહી છે અને લોકો રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai