
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. સુરત શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી રેલવે સ્ટેશન સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. તે વચ્ચે બુધવારે રાંદેર વિસ્તારમાં આવેલ ગણપતિ લાલ મંદિર પાસે ટ્રાફિક સિગ્નલ પાસે બિનવારસી સ્થિતિમાં એક સૂટકેસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ.
સૂચના મળતા જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સૂટકેસની માઇન્યુઅલ સાથે મશીનથી પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન સૂટકેસમાંથી કોઈપણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. જોકે આ સૂટકેસ કોઈ લોકોમાં ભય ફેલાવવા માટે મૂકી ગયા હોવાની શક્યતાને આધારે પોલીસે વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.
સીસીટીવી ફૂટેજની છાનબીન અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સૂટકેસ મુકનાર સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસમાં જાણવા મળ્યું કે સૂટકેસ મુકનાર 40 થી 45 વર્ષની ઉંમરનો એક માનસિક રીતે અસ્થિર યુવક છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતો રહે છે. તે રાંદેરના હિદાયતનગર વિસ્તારમાં રહે છે.
રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે, “સૂટકેસ મળ્યાની ઘટનાના બાદથી અમારી ટીમે દરેક એંગલથી તપાસ શરૂ કરી હતી. અનેક દિશામાં સ્થિત સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને અંતે આરોપી સુધી પહોંચવામાં આવી છે. તે યુવક માનસિક રીતે અસ્થિર છે અને તેના પરિવારજનોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે. તેની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવાની તૈયારી તેઓ કરી રહ્યા હતા.”
માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસએ તેની સામે કોઈ ગુનો દાખલ કર્યો નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે