
વલસાડ, 13 નવેમ્બર (હિ.સ.)-ચોમાસુ વિદાય થતા વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઉમરગામ પેટા વિભાગમાં ગ્રામ્ય વિસ્તારના માર્ગો તથા બ્રિજોના સુધારણા અને નવા કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નાહુલી આશ્રમશાળા થી એન.એચ. 48 જોડતો માર્ગ, મોહનગામ દેડકિયા તળાવ ફળિયા માર્ગ, કોંક્રિટ રોડના તેમજ ડામર કામના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત સરીગામ પહાડપાડા થી અણગામ રામાશંકર ફળિયાને જોડતો માર્ગ પર સ્ટ્રક્ચરનું કામ તેમજ ઉમરગામ તાલુકાના અન્ય માર્ગો પર સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે.
વરસાદના કારણે બંધ રહેલા અન્ય ગ્રામ પંચાયત, કોમ્યુનીટી હોલ, આંગણવાડીઓમાં તમામ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. નવા રસ્તાના કામો શરૂ થતાં ગ્રામજનોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા મળશે અને વાહનવ્યવહાર સુગમ બનશે. વિભાગ દ્વારા ગુણવત્તાસભર કાર્ય સમયસર પૂર્ણ થાય તે દિશામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે