
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીસીઓએ આ વર્ષનો વાર્ષિક માનદ પુરસ્કાર હજુ સુધી ન મળ્યો હોવાની રજૂઆત કરી છે. તેમણે તાલુકા પંચાયત કચેરી ખાતે હાજર રહી તાત્કાલિક ચુકવણી કરવાની માંગ કરી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ પંચાયતોમાં સેવા આપતા વીસીઓને 22,000 રૂપિયાનો માનદ વેતન પુરસ્કાર આપવામાં આવે છે, જે તાલુકા પંચાયત મારફતે આપવામાં આવે છે.
વીસીઓ ગામના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરવા, જમીનના ઉતારા કાઢી આપવા સહિતના સેવાકીય કાર્યોમાં મદદરૂપ બને છે. તેઓ ગ્રામ પંચાયતના માનદ સેવક તરીકે ફરજ બજાવે છે. આ વર્ષે પુરસ્કારની રકમ ન મળતા વીસીઓમાં નારાજગી વ્યાપી છે.
રજુઆત સમયે વીસીઓએ મીડિયાને જણાવ્યું કે, “અમે ગામના લોકોની સરકારી યોજનાઓમાં મદદ કરીએ છીએ અને અમને દર વર્ષે 22,000 રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર મળે છે. પરંતુ આ વર્ષે ચુકવણી ન થતાં અમે તેની તાત્કાલિક ચુકવણીની માંગ કરવા આવ્યા છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ