

પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવાનું હોવાથી, નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસએ બસ રૂટ પરના દબાણો હટાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મુસાફરોની અવરજવર સરળ બને અને કોઈ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે છે.
લાંબા સમયથી બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર લારી-ગલ્લા અને પથારાવાળાઓએ દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો, જેને કારણે બસો સહિત અન્ય વાહનોની અવરજવર મુશ્કેલ બની રહી હતી. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી.
કાર્યક્રમ દરમિયાન માર્ગોની બંને બાજુએ આવેલા અનધિકૃત લારી-ગલ્લા, પતરાના શેડ અને અન્ય દબાણકર્તા વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. નગરપાલિકાએ જણાવ્યું છે કે આ વિસ્તારો ફરી દબાણમુક્ત જ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ