
- સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા 3.6 કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત
સોમનાથ/અમદાવાદ,15 નવેમ્બર (હિ.સ.) તાલાલા તાલુકાના જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતાં વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કર્યું. ગામલોકોને સંબોધિત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સંપોષિત અને સર્વસમાવેષક વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે જેના ભાગરૂપે જંગલમાં છેવાડે આવેલા નાના ગામ સુધી પણ રોડ-રસ્તાની સગવડો ઉભી કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમય બદલાય એમ લોકોની જરૂરિયાતો બદલાય છે. બજેટમાં જરૂરિયાતો અનુસાર જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી બજેટમાં એક સુનિયોજીત વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેના પરિણામે આજે અંતરિયાળ ગામમાં પણ ઝડપથી રસ્તાઓ બની રહ્યાં છે.તાજેતરમાં પડેલા કમોસમી વરસાદનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધતી જઈ રહી છે. જેથી આપણે સૌએ તમામ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડશે.
ગીરના લોકો હંમેશા જંગલને ઉત્તમ રીતે સાચવતા આવ્યાં છે. પરસ્પર સહજીવનની વિભાવના સાકાર કરતું જીવન જીવી રહ્યાં છે. લોકોના સહયોગથી ગ્રીન કવર પણ વધારી રહ્યાં છીએ. તે આનંદની વાત છે.
જંગલમાં એક ઈકોસિસ્ટમ કાર્યરત હોય છે. જંગલની આસપાસ રહેવાના કેટલાક ફાયદાઓ છે, તો તેની સાથે-સાથે કેટલાક કાયદાઓ પણ હોય છે. જેનું હંમેશા ફરજિયાત પાલન કરવું જોઈએ. આમ કહી, મંત્રીએ ઈકો સેન્સેટિવ ઝોન, રડા ડુંગરની અંદર સિંહનું આગમન, પ્રદૂષણને લગતી બાબતો સહિતની બાબતે વિશદ છણાવટ કરી હતી.
ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી જશાપુર થી અમૃતવેલ ગામને જોડતા રસ્તાની લોકમાંગ હતી. જંગલવિભાગના નિયમો જ્યાં લાગુ પડતા હોય ત્યારે કાયદાઓની મર્યાદામાં રહી કામ કરવાનું થતું હોય છે ત્યારે, આ ખાતમુહૂર્ત થકી લોકોને સુવિધાઓ મળી રહે એ દિશામાં કામ કરવામાં આવ્યું છે. વનવિભાગ અંતર્ગત આવતા વિસ્તારમાં પ્રજાલક્ષી અને લોકસુખાકારી કામ અંગે હંમેશા હકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ અને કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 3.6 કિલોમીટરના રસ્તામાંથી 1.70 કિમીનો રસ્તો વાઈલ્ડલાઈફ વિસ્તારમાં આવે છે. આ રસ્તાને રૂ. 2.17 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં 150 મીટરમાં ડામર,1.77 કિ.મી લંબાઈમાં સીસી રોડ અને 1680 મીટરની લંબાઈમાં મેટલિંગ કામની જોગવાઈ કરવામાં આવી છે. આ રસ્તામાં પ્રોટેક્શન વૉલ, ચેઈનેજ તથા જર્જરિત કૉઝવેની જગ્યાએ નવા કૉઝવેનું કામ પણ આવરી લેવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ