
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) વેરાવળ તાલુકાના પ્રભાસ-પાટણની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી તરૂણીને હોસ્ટેલમાં ડર લાગતો હતો અને સતત આત્મહત્યા કરવાના વિચાર આવતા હતાં. જેથી એ તરૂણી હોસ્ટેલમાંથી ભાગી અને કોડીનાર બસ સ્ટેશન પહોંચી હતી. આ અંગે જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગતા ૧૮૧ની ટીમે તરૂણીનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ અંગે ગીર સોમનાથ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે જણાવ્યું હતું કે, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર જાગૃત નાગરિકનો કોડીનાર બસ સ્ટેશન પરથી ફોન આવ્યો હતો કે, એક તરુણી સવારની કોડીનાર બસસ્ટેશન પર એકલી બેઠી છે અને કશું જ બોલતી નથી. જેથી એમને મદદની જરૂર હોય ત્વરીત આવવા વિનંતી કરી હતી.
આથી વેરાવળ ૧૮૧ ટીમના કાઉન્સેલર તેમજ કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા તરુણીની મદદ માટે પહોંચ્યા હતા અને તેમનું નામ-સરનામું જાણ્યું હતું. તરૂણી બહુ જ ડરી ગઇ હોવાથી તેનો ડર દૂર કરી આશ્વાસન આપ્યું હતું.
કાઉન્સેલિંગ બાદ તરુણીએ જણાવ્યું હતું કે, હું એક વર્ષથી પ્રભાસ-પાટણ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરૂ છું અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહું છું. મને હોસ્ટેલમાં વારંવાર ડર લાગતો હતો અને આત્મહત્યાના વિચાર આવતા હતાં. જેથી હું વહેલી સવારના હોસ્ટેલથી કોઈને કહ્યાં વગર નીકળી અને કોડીનાર બસ સ્ટેન્ડ પહોંચી હતી.
બીજી બાજુ તરુણી હોસ્ટેલમાં ના દેખાતા હોસ્ટેલ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી તેમના માતા પોતાની પુત્રીની શોધખોળ માટે નીકળી ગયાં હતાં. આ દરમિયાન ૧૮૧ ટીમ દ્વારા તરુણી પાસેથી તેમના પરિવારજનોના મોબાઈલ નંબર મેળવી તેમના મમ્મી સાથે ફોન પર વાત કરી અને તરુણી ૧૮૧ ટીમ સાથે સુરક્ષિત હોવાની જાણ કરી હતી.
જેથી તરુણી સુરક્ષિત હોવાની ખબર મળતા જ માતાપિતાએ શાંતિ અનુભવી હતી અને ૧૮૧ ટીમ દ્વારા તરુણીની સારસંભાળ રાખી અને સુરક્ષિત પહોંચાડવા બદલ હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ