

પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં કેટલાક દિવસ અગાઉ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ઉપપ્રમુખ હીનાબેન શાહની ઓફિસને મુલાકાતી કક્ષમાં ફેરવવાનો વહીવટી હુકમ કર્યો હતો, જેના કારણે પાલિકામાં રાજકીય તણાવ અને કોર્પોરેટરોમાં નારાજગી ફેલાઈ હતી.
આ નિર્ણય સામે કોર્પોરેટરોએ એકતા દર્શાવી અને ભાજપના નેતૃત્વે હસ્તક્ષેપ કરતા પાલિકા તંત્રને પોતાનો હુકમ પાછો ખેંચવો પડ્યો. ત્યારબાદ મુલાકાતી કક્ષનું બોર્ડ હટાવી હીનાબેન શાહના નામનું બોર્ડ ફરી લગાવવામાં આવ્યું.
આજે હીનાબેન શાહને ઉપપ્રમુખ તરીકે તેમની ઓફિસ પુનઃ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ અને સિનિયર કોર્પોરેટરો સહિત અનેક સભ્યો હાજર રહ્યા અને ઉજવણી પણ કરવામાં આવી.
હીનાબેન શાહે ઓફિસનો ચાર્જ સંભાળતા જણાવ્યું કે આ જીત નારી શક્તિ, સંગઠન અને તમામ કોર્પોરેટરોની એકતા છે. સિનિયર કોર્પોરેટર મનોજભાઈ પટેલે પણ જણાવ્યું કે ખોટો હુકમ પાછો લેવો એ સભ્યોની લાગણીનો માન છે, અને ભાવિ વિકાસ માટે સૌ મળીને કામ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ