
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)ખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ની પાટણ જિલ્લાની પ્રાંત ટીમે કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું. આવેદનપત્રમાં BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં શિક્ષકો પર વધતા દબાણ અને ધરપકડ વોરંટની પ્રથાને તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
મહાસંઘે જણાવ્યું કે શાળાકીય ફરજ બાદ વધારાનું BLO કામ શિક્ષકોમાં માનસિક તાણ અને સમયનો ભારે બોજ સર્જે છે. BLO માટે જુદી-જુદી 13 કેટેગરીના કર્મચારીઓને વ્યવસ્થા હોવા છતાં લગભગ 95% જવાબદારી શિક્ષકોને જ સોંપવામાં આવે છે. સંગઠનના અભિપ્રાય મુજબ, અન્ય કેટેગરીના કર્મચારીઓને પણ BLO જવાબદારી આપવામાં આવવી જોઈએ.
BLOના ભારના કારણે 6 નવેમ્બરથી દ્વિતીય સત્ર દરમિયાન શાળામાં શિક્ષકોની ગેરહાજરીના કારણે શાળાનું શિક્ષણ પ્રભાવિત થઈ શકે છે. એક શાળામાંથી 3 થી 5 શિક્ષકો 1 થી 1.5 મહિના ગેરહાજર રહે તો શિક્ષણ કાર્ય થંભી શકે છે તેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી.
આ રજૂઆત અંગે ત્રણેય અધિકારીઓએ સંગઠનને સાંત્વના આપી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી. આવેદનપત્ર સુપરત કરતી વખતે ABRSMના પ્રાંતના હોદ્દેદારો અને વિવિધ સંવર્ગોના જિલ્લા અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ