

અમદાવાદ, 16 નવેમ્બર (હિ.સ.) : વર્ષ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો ૨૦૨૬ ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે. આ બેટન આપણને યાદ અપાવે છે કે સાચી જીત ભાગીદારી, દયા અને આપણી વહેંચાયેલી માનવતાની એકતામાં રહેલી છે.
અમદાવાદમાં ૧૫મી થી ૧૭મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ કરીને IIT ગાંધીનગર, સંસ્કારધામ, એલ. જે યુનિવર્સિટી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી હતી. કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી ખાતે જાણીતા ઓલિમ્પિયન સ્વિમર માના પટેલ, IIT ગાંધીનગર ખાતે એથલેટિક્સના આંતરરાષ્ટ્રીય પ્લેયર રુચિત મોરી, સંસ્કારધામ ખાતે જુડો સિનિયર નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ રોહિત મજગુલ, એલ. જે યુનિવર્સિટી ખાતે સ્વિમર દેવાંશ પરમાર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન અંડર ૧૭ ફૂટબોલ ટીમના ખેલાડીઓ કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
૧૬ નવેમ્બરના રોજ કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ અને અટલ બ્રિજ થઈને કિંગ્સ બેટન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવશે. અંતિમ દિવસે એટલે કે ૧૭મી નવેમ્બરે રિવરફ્રન્ટ ક્લીનિંગ ડ્રાઈવથી શરૂઆત કરીને એપલ ગ્લોબલ સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઉદગમ સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને અમદાવાદ યુનિવર્સિટી સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈને આ યાત્રાનો સમાપન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે થશે. આ પ્રસંગે વિવિધ સ્થળોએ મહાનુભાવો કિંગ્સ બેટનને આવકારશે. ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો ૨૦૨૬! ના નારા સાથે ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, મહાનુભાવો સહિત નાગરિકો કિંગ્સ બેટન રિલેને અનેરા ઉત્સાહ સાથે આવકારવા આતુર છે.
કિંગ્સ બેટન રિલેની શરૂઆત કોમનવેલ્થ ડે, 10 માર્ચ 2025ના રોજ બકિંગહામ પેલેસમાં થઈ હતી, જ્યાં હિઝ મેજેસ્ટી દ કિંગે કોમનવેલ્થ માટેનો ખાસ સંદેશ બેટનમાં સ્થાન આપ્યો હતો. આ 500 દિવસની સફર તમામ 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોમાંથી પસાર થશે, જે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી દરમિયાન સમગ્ર સમુદાયોને એકત્રિત કરશે.
પ્રથમ વખત, દરેક દેશને તેની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતું એક અનોખું, કસ્ટમાઇઝ્ડ બેટન આપવામાં આવશે. તમામ બેટનો ગ્લાસ્ગોની ઓપનિંગ સેરેમનીમાં ફરી એકવાર એકત્રિત થશે, જ્યાં હિઝ મેજેસ્ટીનો સંદેશ વાચવામાં આવશે અને ગેમ્સની સત્તાવાર શરૂઆત થશે.
આ આવૃત્તિ સાથે કોમનવેલ્થ ક્લીન ઓશન્સ પ્લાસ્ટિક્સ કેમ્પેઇનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે, જે રોયલ કોમનવેલ્થ સોસાયટી સાથેના સહયોગથી યોજાયો છે. આ પહેલ દ્વારા ખેલાડીઓ અને નાગરિકો મળી એક મિલિયન પ્લાસ્ટિકના ટુકડા કોમનવેલ્થના જળપ્રદેશોમાં પ્રવેશતા અટકાવવાનો સંકલ્પ ધરાવે છે. બેટનની સફર સાથે વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન પણ યોજાશે.
ભારતના બેટનની ડિઝાઇન — આકિબ વાણી દ્વારા
પુરસ્કાર વિજેતા કલાકાર આકિબ વાણી દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતીય બેટન દેશની “વૈવિધ્યમાં એકતા”ની ભાવનાનો ઉજાગર કરે છે.
• પહેલો ભાગ: ભારતની પુષ્પ ઓળખ — કાશ્મીરથી કન્યાકુમારી સુધીના રાજ્ય ફૂલોનું પ્રદર્શન, જે સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.
• બીજો ભાગ: ગોંડ આર્ટથી પ્રેરિત — પ્રાણી, પક્ષી અને પ્રકૃતિના જીવંત ચિત્રો દ્વારા આદિવાસી હસ્તકળાને માન આપતું.
• ત્રીજો ભાગ: ભારતીય લિપિઓ — દેશની ભાષાકીય સમૃદ્ધિ અને સંયુક્ત વારસાને ઉજાગર કરતી.
બેટન પરનો અંતિમ કલાત્મક સ્પર્શ નાગરિકો, ખેલાડીઓ અને ઇન્ફ્લુએન્સરો દ્વારા એક વિશેષ ઇન્ટરેક્ટિવ એક્ટિવેશન અંતર્ગત કરવામાં આવ્યો હતો. દિલ્હીના ડી.એલ.એફ. મોલમાં બેટનનું અનાવરણ કરવામાં આવ્યું, જે ભારતમાં તેની સત્તાવાર એન્ટ્રીનું નિશાન છે.
દિલ્હી અનાવરણની મુખ્ય વિશેષતાઓ:
• કિંગ્સ બેટન રિલે બ્રાન્ડિંગ સાથેનું બેટન ડિસ્પ્લે
• પબ્લિક ફોટો બૂથ
• બેટનના ઇતિહાસ વિશેનું ઇન્ટરેક્ટિવ કિઓસ્ક
• ખેલાડીઓની હાજરી અને ડિજિટલ એન્ગેજમેન્ટ વૉલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ