ડીસા માં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને, પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચ' અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ
અંબાજી 16 નવેમ્બર (હિ.સ)ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ''સરદાર ની 150મી જન્મ જયંતિ નિમિતે યુનિટી માર્ચ'' અંતર્ગત ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને
Deesa ma yojai yuniti march


Deesa ma yojai yuniti march


અંબાજી 16 નવેમ્બર (હિ.સ)ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન 'સરદાર ની 150મી જન્મ જયંતિ નિમિતે યુનિટી માર્ચ' અંતર્ગત ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રા નુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારી ઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમણા વાસ ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, જે પ્રત્યેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. યુવા પેઢીએ સરદાર સાહેબના શિસ્ત, સંકલ્પ, દેશપ્રેમ અને એકતા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો આપવો જોઈએ. તેમણે જણાવ્યું કે, આ પદયાત્રા થકી સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાની શક્તિશાળી પ્રેરણા છે. યુવાનો દેશના વિકાસના મુખ્ય કર્ણધાર છે અને સરદાર સાહેબના આદર્શોને અપનાવી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.

સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો.પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ચીફ ઓફિસર, અગ્રણી વર્ષાબેન પટેલ, સુમેરસિંહ વાઘેલા, અમૃતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande