જોધપુર–બાલેસર હાઈવે પર ભયાનક અકસ્માત : 6 શ્રદ્ધાળુઓના મોત, 14 ઘાયલ
બનાસકાંઠા, 16 નવેમ્બર (હિ.સ.): રાજસ્થાનના જોધપુર–બાલેસર નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક રોડ અકસ્માત બન્યો. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા તાલુકાથી રામદેવરા દર્શન કરવા જઈ રહેલા આશરે 20 જેટલા શ્રદ્ધાળુઓ ટેમ્પોમાં સવાર હતા. સ
જોધપુર–બાલેસર હાઈવે પર ભયાનક અકસ્માત


બનાસકાંઠા, 16 નવેમ્બર (હિ.સ.): રાજસ્થાનના જોધપુર–બાલેસર નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક રોડ અકસ્માત બન્યો. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા તાલુકાથી રામદેવરા દર્શન કરવા જઈ રહેલા આશરે 20 જેટલા શ્રદ્ધાળુઓ ટેમ્પોમાં સવાર હતા. સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામ નજીક ટેમ્પો અનાજથી ભરેલા ટ્રેલર સાથે જોરદાર અથડાયો. ટક્કર એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ ત્રણ મહિલાઓના મોત થયા.

બાલેસર પોલીસ સ્ટેશનના અધિકારી મૂળસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ટેમ્પો જોધપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેમાંથી આવી રહેલા અનાજ ભરેલા ટ્રેલર સાથે તેની સીધી ટક્કર થઈ. ટેમ્પોનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો અને અનેક લોકો અંદર જ ફસાઈ ગયા. સ્થાનિક લોકોએ તથા પોલીસે મળીને બચાવ કામગીરી હાથ ધરી અને ઘાયલોને તાત્કાલિક બાલેસર હોસ્પિટલ ખસેડ્યા.

પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ લોકોને જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા, જ્યાં વધુ ત્રણ લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો. અત્યાર સુધી કુલ 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું કે 14 ઘાયલો સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ચિંતાજનક છે.

મૃતકોના નામ

1. કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદ (ઉંમર 65, રહે. બસ સ્ટેન્ડ પાસે, પુંસરી, તા. તલોદ, સાબરકાંઠા)

2. પ્રીતેશ ભરતભાઈ પ્રજાપતિ (ટેમ્પો ચાલક) (ઉંમર 23, પ્રજાપતિવાસ, પુંસરી, તા. તલોદ, સાબરકાંઠા)

3. લોગલભાઈ કાળુસિંહ પરમાર (ઉંમર 39, રહે. રુઘનાથપુરા, ધનસુરા, અરવલ્લી)

4. નવ્યા કાળુસિંહ પરમાર (ઉંમર 3 વર્ષ, રહે. રુઘનાથપુરા, ધનસુરા, અરવલ્લી)

5. જીનલ પ્રવીણભાઈ પરમાર (ઉંમર 12, રહે. રુઘનાથપુરા, ધનસુરા, અરવલ્લી)

6. કૃષ્ણા પરમાર (ઉંમર 9 વર્ષ, રહે. રુઘનાથપુરા, ધનસુરા, અરવલ્લી)

હોસ્પિટલમાં થયેલા મોતમાં 3 વર્ષની નવ્યા, 40 વર્ષીય ભૂપતસિંહ અને 60 વર્ષીય કાશિયા બાઈનો પણ સમાવેશ થાય છે.

વિસ્તારમાં શોકનો માહોલ

દુર્ઘટનાની જાણ થતાં જ સમગ્ર બનાસકાંઠા અને ધનસુરા વિસ્તારમાં શોક છવાયો છે. મૃતકો તથા ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ ઓવરસ્પીડિંગ અથવા બેદરકારી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે.

રામદેવરા દર્શન માટે નીકળેલા શ્રદ્ધાળુઓની આ યાત્રા ભયાનક દુર્ઘટનામાં બદલાતા સમગ્ર વિસ્તારમાં દુઃખ અને પીડાનું વાતાવરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande