
- 7 દિવસમાં શાળા પુરાવા ન આપી શકે તો, સરકાર શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લે
અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) મણીનાગરની સેવન્થ ડે સ્કૂલ સામે શિક્ષણ વિભાગ દ્વારા સેવન્થ ડે સ્કૂલ પાસે માન્યતાના પુરાવા ના હોવાનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સ્કૂલ દ્વારા એએમસી ભાડાપટ્ટા પરના કરારના શરતનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાતા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ પાસે માન્યતાના પુરાવા આપવા માટે વાલીઓએ માંગ કરી છે. તેમજ જો માન્યતાના પુરાવા ના હોય તો સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે માંગ કરી છે.
સેવનથ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની હત્યા બાદ એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતા ના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકાર લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે સરકારને પણ સોંપવામાં આવ્યો છે.
તેમજ થોડા દિવસ પહેલા એએમસી ભાડા પટ્ટા કરારના શરતોનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી શાળા પાસે યોગ્ય માન્યતા ના હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.
વાલી રાકેશ મખ્ખીજાએ જણાવ્યું હતું કે, નયનની હત્યા થઈ જે બાદ DEO, અને એએમસી દ્વારા આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા હતા. છેલ્લા 25 દિવસ પહેલા એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે સ્કૂલ પાસે માન્યતાના કોઈપણ પુરાવા નથી. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા પણ ભાડા પટ્ટાના કરારના શરતોનો ભંગ થયો હોવાનું સામે આવતા નોટિસ ફટકારી છે. સ્કૂલ દ્વારા ઈમોશનલ કાર્ડ રમવામાં આવે છે. તમામ પુરાવા હોવાનો સ્કૂલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો તમામ પુરાવા હોય તો શિક્ષણ વિભાગને કેમ આપવામાં આવ્યા નથી ? જો યોગ્ય ડોક્યુમેન્ટ હોય તો વાલીઓને પણ આપવામાં આવે. જો યોગ્ય પુરાવા ના હોય તો વિદ્યાર્થીઓની ચિંતા કરી સ્કૂલને સરકાર પોતાના તાબા હેઠળ લઈ લે. જો યોગ્ય પુરાવા સ્કૂલ દ્વારા રજૂ કરવામાં ના આવે તો કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ વિજય સાંઠેએ જણાવ્યું હતું કે, બિયુ સહિતની તમામ પરમિશન અમારી પાસે છે. પહેલા પણ પુરાવા આપ્યા હતા ને ફરી એક વખત ફાઈલ તૈયાર કરી છે. અમારું એક ટ્રસ્ટ જમીન લે છે અને અન્ય એક ટ્રસ્ટ શિક્ષણનું કામ જોવે છે. અમારું એજ્યુકેશન ટ્રસ્ટ જ સ્કૂલનું મેનેજમેન્ટ કરે છે. વકીલ મારફતે તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. સ્કૂલની તમામ માન્યતા ના ડોક્યુમેન્ટ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ