
- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપી કાર્યવાહી
અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) 20 જુલાઈ,2023ની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે.
તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે.
અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPC ની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે, તેમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઈ છે, જે અરજી પેન્ડિંગ છે.
2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે.
સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે,
અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં ટ્રાફિક એસીપી અને ટ્રાફિક-પોલીસ ઇન્સ્પેકટર જેઓ આ કેસમાં ફરિયાદી પણ છે, તેમણે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની તપાસ કુલ 17 પોલીસકર્મચારી ટ્રાફિકના અધિક પોલીસ કમિશનર એન. એન.ચૌધરીના માર્ગદર્શન નીચે થઈ હતી, જેમાં ACP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે સામેલ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, જોકે તેને તેની પર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. એને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતાં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે, જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી.
19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ