અમરેલીની સાસુ–વહુની ‘અથાણાં ઉદ્યોગ’ સફળતા કથા: ઘરથી શરૂ થયેલો વ્યવસાય આજે દેશભરમાં ફેલાયો
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મહિલાઓ હવે માત્ર ઘરના કાર્યો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ આત્મ નિર્ભરતા તરફ આગળ વધીને સફળ બિઝનેસ વુમન તરીકે ઉભરી રહી છે. ખાસ કરીને અમરેલી શહેરની સાસુ–વહુ કવિતાબેન અને દિપાલીબેન ઝિંઝુવાડીયાએ ઘરેથી શરૂ કરે
અમરેલીની સાસુ–વહુની ‘અથાણાં ઉદ્યોગ’ સફળતા કથા: ઘરથી શરૂ થયેલો વ્યવસાય આજે દેશભરમાં મોગરાંપણે ફેલાયો


અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મહિલાઓ હવે માત્ર ઘરના કાર્યો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ આત્મ નિર્ભરતા તરફ આગળ વધીને સફળ બિઝનેસ વુમન તરીકે ઉભરી રહી છે. ખાસ કરીને અમરેલી શહેરની સાસુ–વહુ કવિતાબેન અને દિપાલીબેન ઝિંઝુવાડીયાએ ઘરેથી શરૂ કરેલો અથાણાંનો વ્યવસાય આજે લાખો રૂપિયાની કમાણી કરતો એક સફળ મોડેલ બની ગયો છે. છેલ્લા 15 વર્ષથી તેઓ વિવિધ સ્વાદમાં બનેલા અથાણાં સમગ્ર દેશમાં સપ્લાય કરી રહ્યા છે.

કવિતાબેન ઝિંઝુવાડીયા જણાવે છે કે તેઓ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરી ચૂક્યા છે અને 50 વર્ષની ઉંમરે પણ તનમનથી વ્યવસાયમાં જોડાયેલા છે. “અમારી પાસે કોઈપણ પ્રકારના પ્રેઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી અને શુદ્ધ ઘરેલું પદ્ધતિથી કેરી, લસણ અને લીંબુના અથાણાં તૈયાર કરવામાં આવે છે. શુદ્ધતા અને ટેસ્ટને કારણે ગ્રાહકોનું વિશ્વાસ વર્ષોથી ટક્યું છે,” એમ કવિતાબેન કહે છે.

દિપાલીબેન ઝિંઝુવાડીયા, જેઓ પણ ગ્રેજ્યુએટ છે, હાલમાં અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારમાં રહે છે. તેઓ જણાવે છે કે પોતાની સાસુ પાસેથી અથાણું બનાવવા શીખ્યા હતા. આજે અમે બંને મળીને ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી વ્યવસાય સંચાલિત કરીએ છીએ. અમારી પાસે ચિતલ રોડ પર સ્વતંત્ર શોપ પણ શરૂ કરી છે, જ્યાં રોજ ઘણા ગ્રાહકો ખરીદી માટે આવે છે, એમ દિપાલીબેન ઉમેરે છે.

તેઓ આગળ જણાવે છે કે ઉત્તમ ગુણવત્તાની કેરી, લીંબુ અને લસણ સીધા જ ખેડૂતો પાસેથી લાવવામાં આવે છે. ત્યારબાદ ઘરમાં પરંપરાગત રીતથી અથાણું તૈયાર કરવામાં આવે છે અને તેને 500 ગ્રામ તથા 1 કિલોના પેકમાં સીલપેક કરીને વેચાણ કરવામાં આવે છે. “આજના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ ખૂબ મહત્વનાં બન્યાં છે. અમે અમારી વેબસાઇટ, સોશિયલ મીડિયા અને મોબાઈલ ઓર્ડર દ્વારા આખા દેશમાં ડિલિવરી કરીએ છીએ, દિપાલીબેન જણાવે છે.

વેચાણની વાત કરીએ તો મહિને 300 થી 400 કિલો અથાણાંનું વેચાણ થાય છે. એક કિલો અથાણાંનો ભાવ ₹500 થી ₹600 મળે છે, જેના કારણે મહિને લગભગ બે લાખથી વધુની આવક થઈ રહે છે. સતત વધી રહેલા ગ્રાહકો અને ઉત્તમ પ્રતિસાદને કારણે તેઓ ભવિષ્યમાં પ્રોડક્શન વધારવાનું અને નવા ફ્લેવર રજૂ કરવાની યોજનાઓ પણ ધરાવે છે.

અથાણાંનો વ્યવસાય અમરેલીની આ સાસુ–વહુ માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ મહિલાઓ માટે પ્રેરણાસ્રોત પણ છે કે યોગ્ય ઇચ્છાશક્તિ અને મહેનતથી ઘરેથી પણ એક સફળ બિઝનેસ ઊભો કરી શકાય છે. આ બંને મહિલાઓએ સાબિત કર્યું છે કે ગ્રામ્ય અને શહેરી મહિલાઓ માટે આત્મનિર્ભરતા હવે માત્ર સ્વપ્ન નથી—વાસ્તવિકતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande