

ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આજે સ્વર્ણિમ સંકૂલ, ગાંધીનગર ખાતે મહાનગર પરિષદ દ્વારા શહેરી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઓએ હાજર રહીને, પોતાના વિસ્તારમાં કરેલી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણાની કામગીરી અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.
આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે મહાનગરપાલિકા-નગરપાલિકા અને વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ તેમજ નાગરિકોમાં પર્યાવરણના જતન માટેના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યનું ગ્રીન કવર વધારવા નાગરિકોની સાથે રાજ્ય સરકાર પણ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનું ગ્રીન કવર વધારવા માટે તમામ નાગરિકોની ભાગીદારી પણ ખૂબ મહત્વની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ બેઠકમાં હાજર તમામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોને વૃક્ષોનું જતન વધુમાં વધુ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં રાજ્ય સરકાર તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુ-બાજુ ખાલી જગ્યાઓમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની મદદથી વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત ‘સ્વજન સ્મૃતિ વન’ અને ‘એક પેડ માં કે નામ’ જેવા, અભિયાન દ્વારા રાજ્યના નાગરિકોમાં વૃક્ષારોપણ માટે વધુને વધુ લોક જાગૃતિ આવે તે દિશામાં કામ કરવા બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મંત્રીએ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના નેશનલ હાઈવેની બંને બાજુએ સદભાવના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનું અદભૂત કામ કરવામાં આવ્યું છે. વધુમાં, આ એન.જી.ઓ દ્વારા વૃક્ષોના જતનનો દર ૧૦૦ ટકા જેટલો છે.
આ બેઠકમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયરઓ અને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઓ તેમજ મહાનગર પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા સહિત પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ