
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : અમરેલીમાં ફરી એક વખત માનવ વસાહત નજીક સિંહોની હાજરી જોવા મળી છે. બૃહદ ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવરના ભાગરૂપે બગસરા નજીકના હાલરીયા ગામે આજે વહેલી સવારે સિંહે લટાર મારી હતી. શિકારની શોધમાં ગામમાં દાખલ થયેલા સિંહને જોતા ગામના પશુઓમાં અફડાતફડી મચી ગઈ હતી. ગામના ગોંદર તરફ પહોંચતા જ પશુઓ બાજુ ભાગતા જોવા મળ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે સિંહ થોડા સમય સુધી ગામની સડકો અને વાડીઓમાં શિકારની શોધમાં ભટકતો રહ્યો હતો. સદભાગ્યે માણસ અથવા પશુ પર કોઈ હુમલો થયો નથી, પરંતુ સિંહની અચાનક હાજરીએ લોકોમાં ભયનું માહોલ સર્જાયો હતો. સતત વધતી સિંહ સંખ્યાને કારણે આવા બનાવો વારંવાર બનતા હોવાની સ્થાનિકોની રજૂઆત છે.
આ દરમિયાન એક ગ્રામજને સિંહનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલમાં ગામમાં વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ હાલરીયા ગામે પહોંચી છે અને સિંહની હલચલ પર નજર રાખી સુરક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai