
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : શહેરના ઉમરવાડા, જૂની બોમ્બે માર્કેટના ધંધો કરતા વેપારી પાસેથી રાજસ્થાન અને મુંબઈના વેપારીએ દલાલ સાથે મળી રૂપિયા 8.17 લાખની મત્તાનો રેડીમેડ સાડીનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહી ચુકવી મોબાઈલ અને દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, પૂણા બોમ્બે માર્કેટ રોડ, સરીતા વિહાર સોસાયટીમાં રહેતા જમનભાઈ ગોરધનભાઈ સંઘાણી (ઉ.વ.45) ઉમરવાડા, જૂની બોમ્બે માર્કેટમાં ગોકુળ હેન્ડ વર્ક પેઢીના નામથી ધંધો કરે છે. તેમની પાસેથી 26 ઓક્ટોબર 2023ના રોજ દલાલ રોશન મારફતે મુંબઈ, દાદા સાહેબ ફાળકે રોડ, હિંદ રાજસ્થાન બિલ્ડિંગમાં આવેલ રઘુવીર ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર પ્રેમચંદ્ર શર્મા અને રાજસ્થાન,જયપુર લાલરપુર ગાંધીપઠ હિંગળાજ નગરમાં આવેલ સીમરણ ફેબ્રીક્સન પ્રોપરાઈટર વિજય વિક્રાંત પટેલએ રૂપિયા 8,13,542ના મત્તાનો રેડીમેડ સાડીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમાં આરોપીએ માલનું પેમેન્ટ નહી આપતા જમનભાઈએ પેમેન્ટ માટે ફોન કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા ખોટા વાયદાઓ આપ્યા બાદ પેમેન્ટ નહી આપી મોબાઈલ અને દુકાન બંધ કરી ઉઠામણું કરી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસે જમનભાઈની ફરિયાદને આધારે દલાલ સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે