
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) સુરતના વેસુ યુનિવર્સિટી રોડ પાસે આવેલી શીતલ સોસાયટીના એક બંગલામાં આજે બુધવારની સવારે અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો। બંગલાના ચોથા માળે બનાવાયેલા હોમ થિયેટર રૂમમાં આગ ભભૂકી ઉઠતા ઘરમાં ધુમાડો છવાઈ ગયો હતો, જેમાંથી પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતાં.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, બંગલો નંબર 18 માં હાર્દિકભાઈ શાહનું નિવાસ છે. બંગલાના ચોથા માળે બનાવાયેલા હોમ થિયેટર રૂમમાં અચાનક આગ લાગી હતી. આગ સાથે ભારે પ્રમાણમાં ધુમાડો ઊઠ્યો હતો, જેના કારણે બંગલાની અંદર હાજર પરિવારના સભ્યોની વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. સદભાગ્યે, આગ લાગ્યાના સમયે રૂમની અંદર કોઈ પણ વ્યક્તિ હાજર નહોતી.
ઘટનાની જાણ થતાં જ વેસુ અને મજુરા ફાયર સ્ટેશનોની ટીમો ઝડપી ગતિએ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી.
સબ ફાયર ઓફિસર ક્રાંતિ ભગેરીયાએ જણાવ્યું કે હોમ થિયેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો પ્રારંભિક અંદાજ છે. રૂમમાં આવેલા ત્રણ સોફા આગમાં બળી ગયા હતા, જેના કારણે મોટો ધુમાડો ફેલાયો હતો. આ ઘટના સમયે પરિવારના સભ્યો નીચે માળે હતા અને બધા સુરક્ષિત રહ્યા હતા.
સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ. જોકે આગને કારણે થિયેટર રૂમની વાયરિંગ, પીઓપી અને ફર્નિચરનું નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે