
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના વડલારા (અલ્હાબાદ) ગામે અજાણ્યા તસ્કરોએ બે મકાન અને એક મંદિરમાંથી મળી કુલ ₹1.91 લાખની મત્તાની ચોરી કરી હતી. ઘટના ત્યારે બની જ્યારે પંચાલ મનસુખ રામભાઈનો પરિવાર અમદાવાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો અને ઘર બંધ હતું.
તસ્કરોએ મનસુખભાઈના ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પતરાં ટંકમાંથી ₹1 લાખ રોકડા, સોનાનો દોરો, સોનાની કંઠી, સોનાની વીંટી, ચાંદીની ઝાંઝર તેમજ સૂટકેસમાં રાખેલા ₹20,000 રોકડા તસ્કરો ઉઠાવી લઈ ગયા હતા. બે દિવસ બંધ રહેલા મકાનનો તસ્કરોએ પૂરતો લાભ ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત, બાજુમાં આવેલા પંચાલ જીવાભાઈના મકાનમાં પણ તસ્કરોએ ઘુસી સોનાની એક વીંટી ચોરી લીધી હતી. ઘરના આંગણામાં આવેલા ઝાપડી માતાજીના મંદિરમાંથી સ્ટીલની દાનપેટી તોડી ₹12,000 રોકડા અને સોનાના સતત નંગ, કુવાડો તથા પાવરો ચોરી ગયા હતા.
ચોરીની જાણ થતાં જ મનસુખભાઈ તાત્કાલિક ગામે પાછા આવ્યા અને રાધનપુર પોલીસને જાણ કરી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ