
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં વિશ્વ આંજણાધામ દ્વારા સંગઠન ચિંતન બેઠકનું આયોજન પાટણની આદર્શ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકાના અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ પાંચેય તાલુકામાં સંસ્થાની તાલુકાવાર ટીમોની રચના કરવાનો હતો.
આ ટીમો સંકુલની કામગીરી અને યોજનાઓનો પ્રચાર કરી સમાજના છેવાડાના લોકોને માહિતી પહોંચાડશે, જેથી તેમના બાળકો સંસ્થાના વિવિધ લાભ લઈ સર્વાંગીણ વિકાસ કરી શકે. બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા પ્રભારી મુકેશ ચૌધરીએ સંભાળ્યું હતું, જ્યારે ખજાનચી રમેશ ચૌધરી અને મંત્રી નાનજી ચૌધરીએ સંકુલ વિશે વિગતવાર માહિતી આપી હતી.આદર્શ વિદ્યાલયના પ્રમુખ હરેશ ચૌધરી તેમજ સંસ્થાના હોદ્દેદારોના સહયોગથી બેઠકની વ્યવસ્થા સફળતાપૂર્વક થઈ હતી. નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતા ભલેન્દ્ર ચૌધરી અને ડૉ. રામશી ચૌધરી પરિવાર વતી જેસંગ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી, તથા હોદ્દેદારો દ્વારા તેમને ખેસ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.હાજર આગેવાનોએ એક અઠવાડિયામાં તમામ તાલુકામાં ટીમ રચના પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકનું સંચાલન જિલ્લાનાં સહયોગી પ્રતિનિધિ સાગર ચૌધરીએ તથા આભારવિધિ સંજય ચૌધરીએ નિભાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ